અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ અને ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો પર પોલીસની લાલ આંખ, 218 લોકોના લાઈસન્સ રદ કરવા RTOને ભલામણ
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અકસ્માત સર્જનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક વિભાગ દ્વારા આવા નિયમભંગ કરનારા 218 વાહનચાલકોની એક યાદી તૈયાર કરીને પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO)ને સુપ્રત કરવામાં આવી છે. આ યાદીમાં સમાવિષ્ટ વાહનચાલકોના લાઈસન્સ 3 થી 6 મહિના સુધી સસ્પેન્ડ કરવા માટે સ્પષ્ટ ભલામણ કરવામાં આવી છે.
શહેરમાં છેલ્લા 6 મહિના દરમિયાન કુલ 775 જેટલા નાના-મોટા અકસ્માતો નોંધાયા હતા, જેમાંથી ગંભીર પ્રકારના 218 કિસ્સાઓને ચિહ્નિત કરીને આ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વારંવાર ઈ-ચલણ ન ભરનારા, નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવનારા (ઓવરસ્પીડિંગ), ભયજનક રીતે ડ્રાઇવિંગ કરનારા તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસમાં પકડાયેલા ચાલકો સામે RTO દ્વારા લાઈસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
જે વાહનચાલકોને એક વર્ષમાં 5 થી વધુ વખત ઈ-મેમો આવ્યા હોય અથવા તો જેમણે લાંબા સમયથી દંડની રકમ ચૂકવી નથી, તેમને આ કાર્યવાહી હેઠળ આવરી લેવાયા છે. ટ્રાફિક વિભાગ અને RTO દ્વારા આવા તમામ વાહનચાલકોને નોટિસો ફાળવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય અને ટ્રાફિક શિસ્ત જાળવી શકાય.
આ ઉપરાંત, સમયસર ઈ-મેમોની ભરપાઈ ન કરનારા વાહનચાલકોના વાહનોને 'વાહન પોર્ટલ' પર બ્લોક કરી દેવામાં આવી રહ્યા છે. જેના કારણે આવા વાહનચાલકો માટે નવી નંબર પ્લેટ, ટ્રાન્સફર કે અન્ય RTO સબંધી તમામ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. પોલીસની આ આકરી કાર્યવાહીથી નિયમભંગ કરનારા વાહનચાલકોમાં ફાળ પડી છે.
