બાપ રે! અમદાવાદની મહિલાના પેટમાંથી આ શું નિકળ્યું?
અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે એક મહિલાના પેટમાંથી ૧.૫ કિલો ધાતુની આવી બધી વસ્તુઓ ઓપરેશન કરીને પેટમાંથી બહાર કાઢી છે. પીડિતાનું નામ સંગીતા (૪૫) છે જેમણે પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરતા ૩૧ ઓક્ટોબરના રોજ તેમને અમદાવાદની માનસિક રોગની સરકારી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઓપરેશન કરીને તેમના પેટમાંથી આ વસ્તુઓ બહાર કાઢવામાં આવી હતી. મહારાષ્ટ્રના શિરડીમાં રહેતા સંગીતા બેન માનસિક રીતે બિમાર છે. તેઓ અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાંથી મળી આવ્યા હતા.
સંગીતા બહેનને સિવિલ હોસ્પિટલના જનરલ ઓપરેશન વિભાગમાં વરિષ્ઠ સર્જન ડૉ. નિતિન પરમારે જણાવ્યું કે, ‘મહિલાનું પેટ પથ્થરની જેમ કડક થઈ ગયું હતું. એક્સરેમાં તેમના પેટમાં કંઈક ગઠ્ઠા જેવું જોવા મળ્યું હતું. એક સેફ્ટી પીન મહિલાના ફેફસા સુધી પહોંચી ગઈ હતી. જ્યારે અન્ય એક પીનના કારણે મહિલાના પેટની દિવાલમાં કાણું પડી ગયુ હતું. જેના કારણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી હતુ. મહિલાનું ઓપરેશન કરવામાં અમને ૨.૩૦ કલાકથી વધારે સમય લાગ્યો હતો.
ડોક્ટર્સને મહિલાના પેટમાંથી તીક્ષ્ણ પદાર્થો, જ્વેલરી, દોરી અને ઝિપર મળ્યા જેનું વજન લગભગ 1.5 કિલો છે. ડૉ. નીતિન પરમારે કહ્યું કે, “એક્યુફેજિઆ રેર ગણી શકાય તેવો ડિસઓર્ડર છે, જેમાં વ્યક્તિ તીક્ષ્ણ પદાર્થો અને અમુક ન પચી શકે તેવી વસ્તુઓ ખાય છે. સામાન્ય રીતે માનસિક બીમાર વ્યક્તિમાં આ ડિસઓર્ડર જોવા મળે છે. વર્ષમાં એકાદ કેસ જ આવો આવે છે. કેટલાય મહિનાઓથી મહિલા આ પદાર્થો ખાતી હશે.”