નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ગોળીબાર થતાં એક ઘાયલ
નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી ઢબે ફાયરિંગ થયું છે. સ્ટેટ વિજિલન્સની ટીમ અને બુટલેગર વચ્ચે 6 રાઉન્ડ ફાયરિંગ થયું છે. બુટલેગર સંજય વેરાવળના માણસોએ પોલીસ પર હુમલો કરતા ફાયરિંગ થયું છે. સામ સામે ફાયરિંગમાં એક શખ્સ ઈજાગ્રસ્ત થયો છે. તેમજ સ્ટેટ વિજિલન્સની ટીમે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
નવસારી સુરત રોડ ઉપર બુટલેગર ઉપર ફાયરિંગ કરવાની ઘટના બની છે. સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા આજે મંગળવારે વહેલી સવારે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોની ટોળકી ઉપર રેડ પાડી હતી. જોકે, પોલીસને જોતા બુટલેગરોએ હુમલો કર્યો હતો જેમાં સ્ટેટ વિજિલન્સના પીએસઆઇએ બુટલેગરો ઉપર આશરે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જેના પગલે એક બુટલેગરને ગોળી વાગી હતી. જેને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસના ફાયરિંગ બાદ બુટલેગરો ત્યાંથી ફારર થઇ ગયા હતા. સ્થળ પરથી પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, ફાયરિંગ બાબતે પોલીસનું કહેવું છે કે, બુટલેગરે દ્વારા હુમલો કરાતા સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.