CM ઓફિસના વધુ 8 કર્મચારીઓ કોરોના પોઝિટિવ, કુલ આંકડો થયો આટલો
રાજ્યમાં ધીમે ધીમે કોરોના કાબૂમાં આવી રહ્યો છે. તો બીજી તરફ વેક્સીન ડ્રાય રનની જોરશોરથી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યમાં વેક્સીનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયના 8 જેટલા કર્મચારીઓને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા મંગળવારે વધીને 19 થઇ ગઇ છે.
જોકે હજુ 10 કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી છે જેથી આ સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. સમગ્ર સંકુલને સેનિટાઇઝ કર્યા પછી સીએમ કાર્યાલયમાં મુલાકાતીઓને પ્રવેશ આપવાનું શરૂ કરાયું છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે જે કર્મચારીઓ સંક્રમિત થયા હતા તેઓ હોમ આઇસોલેટ છે અને સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના ટેસ્ટ કરાયા છે.
તો મંગળવારે રાજ્યમાં નવા 655 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 868 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,35,426 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 94.71 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 48,039 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 739.06 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 99,06,698 ટેસ્ટ કરવામાં આવ્યા છે.