કોલેજો શરૂ કરવા માટે સરકારે શરૂ કરી તૈયારીઓ, જાણો કયારથી શરૂ થશે
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે મળનારી કેબિનેટની બેઠકમાં ફિજિકલ એજ્યુકેશનને ફરીથી શરૂ કરવા વિવિધ સ્તરેથી ચર્ચા વિચારણ કરવામાં આવશે. સરકારે ઉત્તરાયણ બાદ ગુજરાતમાં વિજ્ઞાન, વાણિજ્ય, વિનયન, ઈજનેરી, કાયદા, કળા, ફાર્મસી જેવા તમામ પ્રવાહોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજો શરૂ કરવા માટે લગભગ સંપૂર્ણ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.
કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતમાં વેક્સીનશનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન કોરોનાના નવા સ્ટ્રેનના ફેલાવો, તેની અસરો જાણ્યા બાદ આગામી એકાદ સપ્તાહમાં શિક્ષણ વિભાગ કોલેજો ખોલવાનો નિર્ણય લેશે.
જોકે વેક્સીનેશન બાદ કોરોનાની સ્થિતિ કાબૂમાં રહેશે તો ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહે કે પછી માર્ચના આરંભે શાળાઓ પણ શરૂ થઈ શકે તેમ છે. જો કે, આ સંદર્ભે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પૂછતા તેમણે શાળા- કોલેજો ખોલવા હાલ કોઈ નિર્ણય કર્યો નથી કહ્યું હતું.
તો બીજી તરફ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી.
શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રીએ વધુ એક શિક્ષકોના હિત માટે આ નિર્ણય લેવાયો છે.
શિક્ષણમંત્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ ૨૦૧૧થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે.