અમૃતપાલ સિંહ ‘ફરાર’, પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ ના 78 લોકોની કરી ધરપકડ
પંજાબ પોલીસે શનિવારે વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહ અને સંગઠનના અન્ય સભ્યો વિરુદ્ધ રાજવ્યાપી અભિયાન શરૂ કર્યું છે.
પોલીસ અનુસાર, "અમૃતપાલ સિંહ હજુ પણ પોલીસની પકડથી દૂર છે, પરંતુ અત્યાર સુધીમાં કુલ 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે."
અન્ય ઘણા લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. તેમની કાર્યવાહી દરમિયાન પોલીસે નવ હથિયારો પણ જપ્ત કર્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, "આ કાર્યવાહી એ લોકો વિરુદ્ધ કરવામાં આવી રહી છે, જેમની પર ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે."
પોલીસની કાર્યવાહીને લઈને રાજ્યના ઘણા ભાગોમાં તણાવ છે.
પોલીસે ઘણા જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે અને રવિવારે બપોરે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રાખવાનું એલાન કર્યું છે.
પંજાબના કૅબિનેટ મંત્રી બલબીર સિંહે કહ્યું હતું કે, આ કાર્યવાહી કાયદા હેઠળ કરાઈ રહી છે.
પંજાબ પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે, "શનિવારે બપોરે પોલીસે જલંધર જિલ્લાના શાહકોટ માલસૈન રોડ પર વારિસ પંજાબ દે સંગઠનના ઘણા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. આમાંથી સાત લોકોની તે જગ્યાએથી ધરપકડ કરવામાં આવી હતી."
પોલીસ પ્રવક્તા અનુસાર, "અમૃતપાલ સિંહ સહિત ઘણા અન્ય લોકો ભાગી ગયા હતા. તેમને પકડવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું છે."
પોલીસ પ્રવક્તા અનુસાર, વારિસ પંજાબ દે સાથે જોડાયેલા લોકો સામે ચાર ગુનાહિત કેસ છે, જેમાં લોકોને અસંતોષ ફેલાવવા, હત્યાનો પ્રયાસ, પોલીસકર્મીઓ પર હુમલો અને પોલીસ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે.
તેઓએ કહ્યું હતું કે, અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવા બદલ વારિસ પંજાબના લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે, જે લોકોએ ગુનો કર્યો છે, તે તમામ લોકો સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.