માતાનો પ્રેમ ત્યારે સમજશો જ્યારે તમે પણ એક મા બનશો
દુનિયામાં આજે જો કોઈનો પ્રેમ નિ:સ્વાર્થ રહ્યો હોય તો એ છે માતાનો પ્રેમ. એક માતાનો પ્રેમ જેટલો ઉંડો અને સાચો હોય છે તેટલો કોઈનો નથી હોતો. માં ગમે તે પરિસ્થિતિમાં પણ એક માઁ જ રહે છે. બાળકોને જ્યાં સુધી મમ્મી ઘરમાં હોય ત્યાં સુધી કોઈ વાતની ચિંતા કે બીક નથી હોતી. એક માઁ પોતાના બાળકને સમજે છે એ કદાચ એક પિતા પણ નથી સમજી શકતા.
કેમ આવુ બનતુ હશે કે બાળક એક માતા-પિતાનુ સંતાન હોવા છતાં માં અને પિતા દ્વારા બાળકને સમજવામાં કેટલુ અંતર હોય છે. બાળકો પિતાને જે વાત કહી નથી શકતા તે વાત તેઓ માતાની આગળ સરળતાથી કહી બતાવે છે. કેમ માતાથી કોઈ વાતની કદી બીક નથી લાગતી ? જ્યારેકે બાળક બાળપણથી જ બંનેની સાથે રહેતો આવ્યો છે. માતાનુ દિલ ઘણું મોટુ છે તે બાળકની દરેક ભૂલ હંમેશા માફ કરવા તૈયાર હોય છે. બાળક કંઈ ભૂલ કરે તો તેને પ્રેમથી સમજાવે છે. માતા વગર બાળક અધુરુ છે, બાળકનુ શિક્ષણ અધુરુ છે, બાળકની જીંદગી અધૂરી છે. દરેક બાળકને માતાનો પ્રેમ મળવાનો અધિકાર છે.
બાળક જ્યારે શાળામાં જવા લાયક થાય ત્યારે તેને હિમંત આપનાર માઁ છે, તેને પહેલી બારાખડી શીખવાડનાર પણ માઁ જ છે. જેમ જેમ બાળક મોટુ થાય તેમ તેમ તેની દરેક પરિસ્થિતિમાં માઁ તેની આગળ પાછળ રહે છે. સર્વિસ કરતી માઁ ને જો બાળકો નાના હોય તો સર્વિસ કરવી ગમતી નથી, તે મજબૂરીમાં જોબ કરે તો તેને દિવસમાં ઘણી વાર બાળકોની ચિંતા કોરી ખાય છે.
પણ આ જ બાળક જ્યારે મોટુ થાય છે ત્યારે તે પોતાની જીંદગીમાં મસ્ત થઈ જાય છે, દરેક વાતે માઁની આંગળી પકડનાર કે દરેક મુસીબત વખતે માઁ ના પાલવમાં છુપાઈ જનારા બાળકને મોટા થતા જ માઁ એક કચકચ કરતી વ્યક્તિ લાગે છે. તેને માઁ ની સલાહ જૂનવાણી વિચારોવાળી જેવી લાગે છે. તે માઁને કહે છે કે તુ મોર્ડન જમાનાની વાતો ન સમજે. ત્યારે માઁ ના દિલને કેવુ લાગે ? માઁ કદી કોઈ બાળકની દુશ્મન નથી હોતી. બસ, તેને હંમેશા એક જ બીક હોય છે કે મારું બાળક ક્યાંક ખોટા રસ્તે ન વળી જાય કે તેના પર કોઈ મુસીબત ન આવી પડે. તમે ગમે તેવુ બોલીને ઘરની બહાર નીકળી જાવ, પણ માઁ ને કદી ગુસ્સો નથી આવતો, તે રાતે તમે આવો ન ત્યાં સુધી તમારી રાહ જોતી બેસે છે. ખબર છે કે તમે પાર્ટીમાં ગયા હતા, છતાં તે પૂછશે કે તમે જમ્યા કે નહી, કારણકે તે એક માઁ છે.
માઁ ની લાગણીઓ ત્યારે જ સમજાશે જ્યારે તમે મોટા થશો, અને તમને બાળકો થશે. જ્યારે તમારા બાળકોનુ વલણ જો તમને આ પ્રકારનુ જોવા મળશે તો તમને આજના તમારા માઁ ની લાગણીનો ત્યારે અનુભવ થશે, તેથી માતાનુ દિલ કદી દુ:ખાવવુ ન જોઈએ. માઁ ને સમજો, માઁ ને સમજાવો પણ કદી તેનુ અપમાન ન કરતા, કદી તેનુ દિલ ન તોડતા.