બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : સોમવાર, 25 માર્ચ 2019 (12:37 IST)

ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે કયા મજબૂત દાવેદાર ચૂંટણી લડી શકે છે

અટલ બિહારી અને અડવાણીની સંસદિય સીટ હવે દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સમાધાનની રણનીતિના ભાગરૂપે અમિત શાહના ગુરૂ અને એનસીપીના ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલાને ઉતારવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ પહેલા કોંગ્રેસે અમિત શાહ સામે પાટીદાર ઉમેદવાર ડૉ.જીતુ પટેલને લડાવવા માટેની પણ એક અલગ પ્રકારની હિલચાલ શરૂ કરી છે. અમિત શાહ પ્રત્યે પાટીદારોમાં પ્રવર્તતી નારાજગીની સાથે ગાંધીનગર લોકસભામાં આવી પાંચ વિધાનસભામાં સૌથી વધુ પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે, ત્યારે અમિત શાહ સામે ડૉ.જીતુ પટેલ જેવા સેવાભાવી પાટીદાર આગેવાન અને વર્ષોથી ભાજપની રણનીતિના જાણકારને ઉતારવા માટે કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે.

આ અગાઉ ડૉ.જીતુ પટેલ ભાજપમાંથી સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા અમિત શાહ સામે પાટીદાર ડૉ.જીતુ પટેલના નામ અંગે કોઈ નિર્ણય ન લેવાય તો એનસીપી સાથે સમાધાન કરીને ગાંધીનગર લોકસભા બેઠક પરથી જો શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડવા તૈયાર થાય તો કોંગ્રેસ આ બેઠક છોડી દઈ એનસીપીના ઉમેદવારને જીતાડવા માટે કામ લાગી જશે. જો એનસીપીના ઉમેદવાર ગાંધીનગર લોકસભા લડે તો ભાજપ પાસે કોંગ્રેસને ગાળો દેવાનો મુદ્દો પુરો થઈ શકે છે.