મુખ્યપ્રધાન રૂપાણીના નિવેદન બાદ પણ નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ
ગુજરાતમાં મહત્વની ગણાતી મહેસાણા બેઠક પર કોંગ્રેસે આખરે ગઈ કાલે રાત્રે એ.જે.પટેલનું નામ જાહેર કરતાં હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે તેમની સામે ભાજપમાંથી નીતિન પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે છે. અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નીતિનભાઈ કોઈપણ સંજોગોમાં લોકસભા નહીં લડે તેવું નિવેદન કર્યું હતું પણ હવે સમીકરણો બદલાતા સુત્રો એવી જણાવી રહ્યાં છે કે કોંગ્રેસમાં હવે મજબૂત ઉમેદવાર હોવાથી તેમની સામે મહેસાણામાં નીતિન પટેલને ઉતારે છૂટકો છે. આમ પણ મહેસાણામાં ભાજપ માટે કપરાં ચઢાણ રહ્યાં છે. પરંતુ આજે બપોર સુધીમાં ભાજપના સત્તાવાર રીતે ઉમેદવાર તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ફાઈનલ થઇ જાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસ ગઈકાલે જ ગુજરાતની એક બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા, જે મહેસાણા માટે હતા. અહીંથી પૂર્વ આઈપીએસ અધિકારી એ જે પટેલ ચૂંટણી લડવાના છે. મહેસાણા લોકસભા માટે નીતિન પટેલને ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા ભારે દબાણ થઈ રહ્યું હતું. જેની સામે આખરે તેઓ ઝૂકી ગયા હતા. રાજકોટ લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયાનું ઉમેદવારીપત્ર ભર્યા બાદ તરત જ મહેસાણાથી ભાજપના ઉમેદવાર તરીકે નીતિન પટેલનું નામ જાહેર થવાની સંભાવાના છે.