ગુજરાતમાં ઠેર ઠેર હાર્દિક પટેલનું પૂતળા દહન કરાયું, લોકોએ હાર્દિકને સમાજનો ગદ્દાર કહ્યો
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ રાજ્યભરમાંથી હાર્દિકનો પૂતળા દહન અને પોસ્ટરો લગાવીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં હાર્દિક પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સિવાય જામનગર અને મહેસાણામાં પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. જામનગરના ધ્રોલમાં પણ હાર્દિક વિરૂદ્ધ બેનરો લગાવવામાં આવ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં હાર્દિક વિશે સમાજનો ગદ્દાર હોવાના નારા પણ લાગ્યા હતા. સુરત અને જામનગર સહિતના વિસ્તારોમાં હાર્દિક પટેલના વિરોધ કરતાં બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં હાર્દિક પટેલ ગદ્દાર છે તેવા લખેલા બેનરો લગાવવામાં આવ્યા છે. મહેસાણામાં પણ હાર્દિક અને તેના સમર્થકોએ પ્રવેશવુ નહીંનું લખાણ લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ ઉપરાંત બેનરમાં હાર્દિક વિશે લખવામાં આવ્યું છે કે, રાજકીય લાભ ખાટવા 14 પાટીદારોનો ભોગ લીધો. પાટીદારોને ગધાડે ચઢાવી પાટીદારોના પ્રશ્નોને અદ્ધવચ્ચે મૂકી રાજકારણના ઘોડે બેસી ગયો. ગત સોમવારે હાર્દિક પટેલના રાજકારણના પ્રવેશનો વિરોધ કરવાના હેતુથી પાટીદાર સમાજના યુવાનોએ ગાંધીનગર તથા અમદાવાદમાં હાર્દિક પટેલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ હાર્દિકના પૂતળા દહનના કાર્યક્રમની પત્રિકા વાઈરલ રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ ખાતે હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા તો પૂતળા દહન દરમિયાન સમાજનો ગદ્દાર હોવાના નારા પણ લગાવવામાં આવ્યા હતા.