1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Sohrabuddin Sheikh Case

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને મુક્ત કરવા સામે સુપ્રીમમાં અપીલ, CBI અને તમામ આરોપીઓને નોટિસ

supreme court
સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર મામલે 21  પોલીસકર્મીઓ સહિત તમામ 22  આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના ચુકાદા સામે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. સોહરાબુદ્દીનના ભાઈ નયાબુદ્દીન શેખ દ્વારા કરવામાં આવેલી આ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા સંમત થઈ છે. 2018 માં મુંબઈ સીબીઆઈ કોર્ટે તમામ આરોપીઓને મુક્ત કર્યા હતા, જેને બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નિર્દોષ છોડવાના નિર્ણયને ફરી નહીં ખોલે.

92  સાક્ષીઓ મુકરાતાં જસ્ટિસ બાગચીએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચે આ મામલે સીબીઆઈ અને તમામ 22  છોડી મુકાયેલા લોકોને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. ટ્રાયલ દરમિયાન 92  જેટલા મહત્વના સાક્ષીઓ પોતાના નિવેદનથી ફરી ગયા (હોસ્ટાઈલ થઈ ગયા) હોવાની બાબત સામે આવતાં જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે મૌખિક ટિપ્પણી કરતા કહ્યું કે આ ખરેખર ‘હોલસેલ વિટનેસ હોસ્ટાઈલ’ જેવી બાબત છે અને ટ્રાયલમાં યોગ્ય પારદર્શિતા હતી કે નહીં તેની સુપ્રીમ કોર્ટ ચકાસણી કરશે.
 

વર્ષ 2005 માં હૈદરાબાદથી અપહરણ અને કથિત એન્કાઉન્ટરનો ઘટનાક્રમ

સીબીઆઈના કેસ મુજબ, 23 મી નવેમ્બર 2005ના રોજ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી સાંગલી જઈ રહ્યા હતા ત્યારે ગુજરાત અને રાજસ્થાન પોલીસની ટીમે બસ રોકી તેમનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ 26 મી નવેમ્બર 2005ના રોજ અમદાવાદના વિશાલા સર્કલ નજીક સોહરાબુદ્દીનનું કથિત એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસે દાવો કર્યો હતો કે તે લશ્કર-એ-તોયબાનો આતંકવાદી હતો. તેના ત્રણ દિવસ બાદ તેની પત્ની કૌસર બીની પણ હત્યા કરી મૃતદેહનો નિકાલ કરાયો હતો.
 

મુખ્ય સાક્ષી તુલસીરામ પ્રજાપતિનું પણ એક વર્ષ પછી એન્કાઉન્ટર

આ સમગ્ર ઘટનાના સૌથી મહત્વના સાક્ષી એવા તુલસીરામ પ્રજાપતિને તે સમયે ઉદયપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. સોહરાબુદ્દીન અને કૌસર બીના કસ્ટોડિયલ ડેથના આશરે એક વર્ષ બાદ, 27 મી ડિસેમ્બર 2006 ના રોજ બનાસકાંઠા નજીક છાપરી ખાતે અન્ય એક કથિત પોલીસ એન્કાઉન્ટરમાં તુલસીરામ પ્રજાપતિને પણ મારી નાખવામાં આવ્યો હતો, જેથી આ કેસ વધુ ચકચારભર્યો બન્યો હતો.

હાઈપ્રોફાઈલ આરોપીઓ અને સીબીઆઈ કોર્ટનો ડિસ્ચાર્જ હુકમ

આ ચર્ચિત કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, અને ગુજરાત-રાજસ્થાનના ટોચના પોલીસ અધિકારીઓ ડી.જી. વણઝારા, રાજકુમાર પાંડિયન, અભય ચુડાસમા, એન.કે. અમીન, પી.સી. પાંડે અને ગીતા જોહરી સહિત 38 લોકોને આરોપી બનાવાયા હતા. વર્ષ 2014 માં મુંબઈની સીબીઆઈ કોર્ટે અમિત શાહને રાજકીય હેતુથી કેસમાં ફસાવાયા હોવાનું નોંધી મુક્ત કર્યા હતા. ત્યારબાદ વણઝારા સહિત 15 અધિકારીઓ ડિસ્ચાર્જ થયા હતા અને ડિસેમ્બર 2018 માં બાકીના 22  આરોપીઓને પણ પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા હતા.
 
આગળનો લેખ
શેરબજારમાં દબાણ યથાવત, સેન્સેક્સ 488 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 22,700 થી નીચે ગયો; ટાટા મોટર્સ અને HDFC બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો