1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Winter Special Recipe

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

AdadiyA
શિયાળાની શરૂઆત થતાં જ ગુજરાતી ઘરોમાં અડદિયા પાક બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અડદની દાળ, ઘી, ગોળ અને શિયાળામાં ઉપયોગમાં લેવાતા ગરમ મસાલાઓમાંથી બનતો અડદિયા પાક સ્વાદિષ્ટ હોવાની સાથે પરંપરાગત રીતે પૌષ્ટિક મીઠાઈ તરીકે પણ જાણીતો છે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં અડદિયા પાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો ચાલો જાણીએ ઘરે જ દાણેદાર, સ્વાદિષ્ટ અને બજાર જેવો
અડદિયા પાક બનાવવાની સરળ રીત.

અડદિયા પાક બનાવવા માટેની સામગ્રી

- અડદની દાળનો લોટ – 500 ગ્રામ
- દેશી ઘી – 400 ગ્રામ
- ગોળ – 400 ગ્રામ
- દૂધ – ½ કપ
- ગુંદર – 50 ગ્રામ
- બદામની કતરણ – 50 ગ્રામ
- કાજુના ટુકડા – 50 ગ્રામ
- પિસ્તાની કતરણ – 25 ગ્રામ
- સૂકું છીણેલું નાળિયેર – ½ કપ
- સૂંઠનો પાઉડર – 2 ચમચી
- ગંઠોડાનો પાઉડર – 1 ચમચી
- પીપરમૂળનો પાઉડર – 1 ચમચી
- એલચી પાઉડર – 1 ચમચી
- જાયફળ પાઉડર – ½ ચમચી
- સફેદ મરીનો પાઉડર – ½ ચમચી
- ખસખસ – 2 ચમચી

અડદિયા પાક બનાવવાની રીત

1. અડદના લોટને મોણ આપો: સૌપ્રથમ અડદના લોટમાં થોડું નવશેકું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરો. હાથથી મસળીને લોટને દાણેદાર બનાવો અને 15થી 20 મિનિટ માટે ઢાંકીને રાખો. ત્યારબાદ તેને ચારણીથી ચાળી લો.
 
2. ગુંદર તળી લો: એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો. તેમાં ગુંદર નાખીને ધીમા તાપે તળી લો. ગુંદર ફૂલી જાય એટલે તેને બહાર કાઢી ઠંડો થવા દો અને પછી તેનો અધકચરો ભૂકો કરી લો.
3. અડદના લોટને શેકો: હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં અડદનો લોટ ઉમેરો. ધીમા તાપે સતત હલાવતા રહો. લોટનો રંગ આછો સોનેરી થાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકો. લોટ બરાબર શેકાય તે ખૂબ જરૂરી છે.
 
4. સૂકો મેવો ઉમેરો: બીજી કડાઈમાં થોડું ઘી ગરમ કરીને બદામ, કાજુ, પિસ્તા અને ખસખસને હળવાં શેકી લો. હવે શેકેલા અડદના લોટમાં ગુંદર, સૂકો મેવો અને સૂકું નાળિયેર ઉમેરો.
 
5. ગરમ મસાલા ઉમેરો: હવે તેમાં સૂંઠ, ગંઠોડા, પીપરમૂળ, એલચી, જાયફળ અને સફેદ મરીનો પાઉડર ઉમેરો. બધી સામગ્રીને બરાબર મિક્સ કરો.
 
6. ગોળ મિક્સ કરો: ગોળને અલગ વાસણમાં થોડા ઘી સાથે ધીમા તાપે ઓગાળી લો. ગોળ ઓગળી જાય એટલે તેને ગાળીને થોડો હૂંફાળો થવા દો. ત્યારબાદ અડદના શેકેલા મિશ્રણમાં ઉમેરો અને ઝડપથી બરાબર મિક્સ કરો.
 
7. અડદિયા પાક તૈયાર કરો: તૈયાર મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ ભભરાવો. થોડું ઠંડું થાય ત્યારે તેને મનપસંદ આકારમાં કાપી લો. સંપૂર્ણ ઠંડું થયા પછી અડદિયા પાક ખાવા માટે તૈયાર છે.

અડદિયા પાકને સ્વાદિષ્ટ બનાવવાની ખાસ ટિપ્સ

1. અડદના લોટને હંમેશાં ધીમા તાપે શેકવો, જેથી તે અંદર સુધી બરાબર શેકાય.
2. લોટમાં દૂધ ઉમેરીને દાણેદાર બનાવવાથી અડદિયા પાકનો સ્વાદ અને ટેક્સચર સરસ આવે છે.
3. ગુંદરને બરાબર ફૂલાવીને તળવો, જેથી તે કડક ન રહે.
4. ગોળને ખૂબ ગરમ અવસ્થામાં મિશ્રણમાં ન ઉમેરવો.
5. ગોળની મીઠાશ પ્રમાણે તેની માત્રા ઓછી-વધુ કરી શકાય છે.
આગળનો લેખ
World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો