બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (11:04 IST)

ગુજરાતમાં ૪ લાખ કુશળ વેલ્ડિંગ વ્યાવસાયિકોની અછત, વૈશ્વિક સ્તરે ગુજરાત પાછળ

ભારતમાં કુશળ વેલ્ડિંગ માનવશક્તિની અછતના કારણે ઇન્ફ્રા-પ્રોજેક્ટના સંખ્યાબંધ કોન્ટ્રાક્ટરો ચાઇના, રશિયા અને પૂર્વ યુરોપના દેશોના વેલ્ડિંગ અને કટિંગ ઓપરેટર્સનો ઉપયોગ કરી રહ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્ડિંગ (આઈઆઈડબ્લ્યુ)એ વેલ્ડર્સ, કટર્સ, ફિટર્સ, ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ અને એન્જિનિયર્સ અને ઇન્સ્પેક્ટર્સ સહિત 12 લાખ વેલ્ડિંગ વ્યાવસાયિકોની તંગી હોવાનો અંદાજ કાઢ્યો છે.
 
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્ડિંગ (આઈઆઈડબ્લ્યુ)એ કૌશલ્ય વિકાસ માટેના કેન્દ્રીય મંત્રાલયને વૃદ્ધિના પગલે વધેલી નોકરીઓની તકોના કારણે પેદા થયેલી અછત અને નિવૃત્ત થતા કર્મચારીઓના સ્થાને ભરતી કરવા વિશે અરજી કરી છે. હાલના 12 લાખ વેલ્ડિંગ પ્રોફેશનલ્સની અછત આગામી 3 વર્ષમાં વધીને 13.5 લાખ થઈ શકે છે. આગામી 5 વર્ષમાં માર્ગ/રેલ/પુલ/આંતરિક જળમાર્ગો અને વીજળી સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રૂ. 100થી વધુ લાખ કરોડના રોકાણને અને ફેબ્રુઆરી 2020 (મુંબઈ)માં યોજાનારા આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ અને વેલ્ડ ઇન્ડિયા 2020 એક્સ્પોને ધ્યાનમાં રાખીને ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્ડીંગ (આઈઆઈડબ્લ્યુ)એ ભારતમાં આંતરરાષ્ટ્રીય ધોરણના વેલ્ડિંગ શિક્ષણનો પ્રચાર કરવા અને પ્રોત્સાહન આપવા કૌશલ્ય વિકાસના મંત્રાલય પાસેથી સકારાત્મક પગલું લેવાની માંગ કરી છે.
 
એક અંદાજ મુજબ ગુજરાત ખાતે એનજીનીયરીંગ ઈન્ડસ્ટ્રીઝમાં ૩૦ થી ૪૦ ટકા વેલ્ડર્સ, કટર્સ, ફિટર્સ, ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ એન્જિનિયર્સ અને ઇન્સ્પેક્ટર્સ સહિત ૩ થી ૪ લાખ કુશળ વેલ્ડિંગ વ્યાવસાયિકોની તંગી છે. જેમાં ગુજરાત ખાતે સૌથી વધુ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, વલસાડની ઓદ્યોગિક ઈન્ડસ્ટ્રીઝોમાં કુશળ વ્યાવસાયિકોની તંગી પ્રવર્તી રહી છે. ગુજરાતના ઓદ્યોગિક સંસ્થાઓની જરૂરિયાતના અનુસંધાનમાં કુશળ વેલ્ડિંગ વ્યાવસાયિકોના સંદર્ભે વૈશ્વિક સ્તરે આપણે હજુ ઘણા પાછળ છીએ. 
 
ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રના વિકાસમાં ગુજરાતનો ૨૦ થી ૨૫ ટકાનો ફાળો રહ્યો છે, જેના અનુસંધાને 'મેક-ઇન-ઇન્ડિયા' અભિયાન અંતર્ગત ગુજરાત ખાતે આગામી આગામી ૫ વર્ષમાં માર્ગ/રેલ/પુલ/આંતરિક જળમાર્ગો અને વીજળી સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રૂ. ૨0થી વધુ લાખ કરોડના નવા રોકાણને ધ્યાનમાં રાખીને કુશળ વેલ્ડિંગ વ્યાવસાયિકોની તંગી દૂર કરવા સકારાત્મક પગલાં લેવાની તાતી જરૂરિયાત છે.
 
આર. શ્રીનિવાસ (આઈઆઈડબ્લ્યુના પ્રવક્તા અને ભૂતપૂર્વ પ્રમુખ) એ જણાવ્યું હતું કે અપૂરતી કુશળ માનવશક્તિના લીધે રૂ. 52 લાખ કરોડની નવી બાંધકામ મિલકતો ઊભી કરવા અને 90,000 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતાઓનો ઉમેરો પૂર્ણ કરવા તથા સમયસર તેના અમલીકરણ અંગે પોતાની મર્યાદાઓ દર્શાવી હતી. દરેક દિવસે 20 કિલોમીટરના નવા ધોરીમાર્ગો બાંધવાનું રાષ્ટ્રીય મિશન તો પહેલાથી પાછળ ચાલી જ રહ્યું છે. 
 
'મેક-ઇન-ઇન્ડિયા' અભિયાન ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિની તકોમાં ઊછાળો લાવ્યું છે, પરંતુ કુશળ મજૂરોની કાયમી તંગીની બુમરાણ બાંધકામ, ઓટોમોબાઇલ, વીજળી અને સંરક્ષણ ક્ષેત્રોમાં જોરશોરથી થઈ રહી છે. પાઇપ અને પ્લેટ વેલ્ડર્સ, સુપરવાઇઝરો અને વેલ્ડિંગ એન્જિનિયરો એમ બધાં સ્તરે કુશળ વેલ્ડિંગ વ્યાવસાયિકોની તંગી ચાલુ રહી છે. કેન્દ્ર સરકારના કુશળતા વિકાસ વ્યવસ્થાતંત્રે કે જે 2022 સુધીમાં 500 મિલિયન ભારતીયોને કુશળ બનાવવાનું લક્ષ્ય રાખે છે, તેણે ભારતીય કાર્યદળની રોજગારયોગ્ય કુશળતાની તીવ્ર અછતને દૂર કરવા માટે કાર્ય કરવું જોઈએ.
 
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્ડિંગ (આઈઆઈડબ્લ્યુ)એ ભારતીય યુવાનોની કુશળતા વધારવા અને યોગ્યતા પ્રમાણિત વેલ્ડિંગ કારીગરોની તંગીને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના વ્યવસ્થાતંત્ર સાથે ભાગીદારી કરવાની ઓફર કરી છે. કમલ શાહ - અધ્યક્ષ (મુંબઈ શાખા, આઈઆઈડબ્લ્યુ)એ જણાવ્યું હતું કે, “અમે ફેબ્રુઆરી 2020 (મુંબઈ)માં યોજાનારા આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ અને વેલ્ડ ઇન્ડિયા 2020 એક્સ્પોમાં અમલદારો અને જાહેર ક્ષેત્રની કંપનીઓને ભાગ લેવા આતુરતાથી આગ્રહ કરી રહ્યા છીએ. 
 
આઈઆઈડબ્લ્યુ ‘અર્બન/પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર-બ્રિજ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોલ ઓફ વેલ્ડિંગ’ વિષય પર આખા દિવસના સત્રનું આયોજન કરશે. વિશ્વભરના વિષય નિષ્ણાતોને આમંત્રણ અપાયું છે. આઈઆઈડબ્લ્યુ-ભારત જાહેર બાંધકામ વિભાગ અને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટકની શહેરી સ્થાનિક સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓને ભાગ લેવાનું આમંત્રણ આપવાની યોજના ધરાવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્ડિંગ નેશનલ હાઇવે ઓથોરિટી, ભારતીય અને કોંકણ રેલવેના અધિકારીઓ પણ ભાગ લે તે માટે ઇચ્છુક છે.
 
ત્રણ દિવસીય સમારોહ દરમિયાન આઈઆઈડબ્લ્યુ ભારતીય વેલ્ડિંગ બિરાદરોને સરકારના અધિકારીઓ અને રાજ્ય સંચાલિત આઈટીઆઈના વહીવટકર્તાઓ સાથે બેસીને તેમની વિષયસામગ્રીને અદ્યતન બનાવવા, તેમના અભ્યાસક્રમને સુસંગત કરવા અને ઉદ્યોગની ભાગીદારીથી તાલીમને સરળતાયુક્ત બનાવવા વિચારે છે.
 
“આઈઆઈડબ્લ્યુની શાખાઓ વિદ્યાર્થીઓને વેલ્ડિંગમાં કારકિર્દીની શક્યતા પર વિચારણા કરવા રજૂઆતો કરી રહી છે. પ્રમાણિત વેલ્ડર્સ માટે વળતર ખૂબ તંદુરસ્ત છે, વાર્ષિક પેકેજો 3 લાખથી શરૂ થઈને રૂ. 40 લાખ જેટલાં ઊંચાં છે. ઘણા ઉદ્યોગો તેમના મૂડી રોકાણોનો ઉચિત ઉપયોગ કરવા માગે છે અને એવા વેલ્ડર્સ પર આધાર રાખે છે જેમની પાસે એકદમ જૂના અને પહેરાતા ઉપકરણને ફરીથી બનાવવાની ક્ષમતા છે. આવી કુશળતા દુર્લભ બની છે અને તેની ખૂબ માંગ છે. જો તમે વેલ્ડિંગ ઉદ્યોગ માટે પોતાને સમર્પિત કરશો, તો તમે ક્યારેય નોકરી વિનાના નહિ રહો,” એમ કમલ શાહે વધુમાં જણાવ્યું હતું.
 
ભારતીય વેલ્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઈઆઈડબ્લ્યુ) એ હાલમાં ટૂંકા ગાળાના બેઝિક વેલ્ડિંગ અભ્યાસક્રમો પર લાગુ થતાં 18% ગુડ્સ અને સર્વિસિસ ટેક્સ (જીએસટી)માં પણ રાહત માંગી છે. ઘણા ઉદ્યોગોએ વ્યવસાયિક તાલીમ અને શિક્ષણ માટે કોર્પોરેટ સીએસઆર (કોર્પોરેટ સામાજિક જવાબદારી)ના ભંડોળમાંથી થતા ખર્ચાને સંપૂર્ણ મુક્તિ આપવા માટે જીએસટી કાઉન્સિલનો સંપર્ક કર્યો છે. વિદ્યાર્થીઓને તાલીમ ફી પર 18% જીએસટી ચૂકવવો પડે છે જે અભ્યાસક્રમો મોંઘા બનાવે છે જેનાથી વિદ્યાર્થીનો રસ સ્થગિત થાય છે અથવા ઊડી જાય છે. જોકે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એનએસડીસી) દ્વારા વેલ્ડર્સ માટે સ્કિલ ઇન્ડિયા વ્યાવસાયિક તાલીમ હેઠળ ચલાવતા અભ્યાસક્રમોને જીએસટીથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
 
“ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્ડિંગ (આઈઆઈડબ્લ્યુ)એ જીએસટી કાઉન્સિલને અપીલ કરી છે કે આઈઆઈડબ્લ્યુ - ઇન્ડિયા જેવા નફા માટે કામ નહીં કરતા સંગઠન દ્વારા ચલાવવામાં આવતા વેલ્ડર્સની તમામ મૂળભૂત કુશળતાના વિકાસના શિક્ષણ પર જીએસટીમાં મુક્તિ આપવામાં આવે, જેથી જેઓ વંચિત છે તેઓ ઝડપથી તકનિકી કુશળતા પ્રાપ્ત કરી શકે અને તમને રોજગારયોગ્ય અને અર્થવ્યવસ્થામાં ફાળો આપનારા બનાવી શકાય."