સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (11:38 IST)

ચૂંટણી રાજનીતિ શરૂ - કોંગ્રેસ સત્તામાં આવશે તો પાટીદાર શહિદોના પરિવારોને 35 લાખની સરકારી સહાય આપશે

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાસે અનામત સહિત અન્ય મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ માંગ્યું હતું, અને જો કોંગ્રેસ નહીં આપી શકે તો સુરતમાં  યોજાનારી રાહુલ ગાંધીની સભાનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભા જેવો હાલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે  સોમવારે કોંગ્રેસ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ) નેતાઓએ બેઠક કરી હતી. આ બેઠકમાં પાસના આગેવાનોએ કોંગ્રેસ સામે પાંચ મુદ્દા રજુ કરીને તેની સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ તરફથી ચાર મુદ્દા પર પાસના આગેવાનોને સ્પષ્ટતા આપવામાં આવી હતી. કોંગ્રેસે સ્પષ્ટતા આપતાં પાસના આગેવાનોને કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે, તો અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા 14 પાટીદારોના પરિવારને 35-35 લાખ રૂપિયાની સરકારી આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને તેની શૈક્ષણિક લાયકાત પ્રમાણે સરકારી નોકરી આપવામાં આવશે. 
 
બીજા મુદ્દામાં અમદાવાદ સહિત ગુજરાતમાં  આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા રાજદ્રોહ સહિતના તમામ કેસ પરત ખેંચાશે. ત્રીજા મુદ્દામાં કોંગ્રેસે બિન અનામત આયોગનને બંધારણીય દરરજ્જો આપી  તેના માટે રૂપિયા 2 હજાર કરોડ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પાટીદારો પર થયેલા પોલીસ દમન અંગે એક એસઆઈટી (SIT)ની રચના કરીને જે લોકો આ ઘટનામાં દોષિત છે તેમને કડક સજા કરવાની પણ કોંગ્રેસે જાહેરાત કરી હતી. તે ઉપરાંત જે મહત્વનો મુદ્દો હતો એ અનામત અંગે આ ટેકનિકલ મુદ્દો હોવાથી તેની પર કાયદા અને સંવિધાનના નિષ્ણાંતોની સલાહ લીધા બાદ તેની ફરીવાર પાસના આગેવાનો સાથે બેઠક કરવામાં આવશે. આ બેઠક બાદ પત્રકાર પરિષદમાં પાસના આગેવાન હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસે પાટીદારો તરફથી રજુ કરવામાં આવેલા પાંચમાંથી ચાર મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે અને પાંચમાં અનામતના મુદ્દાને નિષ્ણાંતોની સલાહ બાદ ફરીથી ચર્ચા કરવા બાબતે બાકી રાખ્યો છે. હાર્દિકે જણાવ્યું હતું કે અમને ભાજપ કે કોંગ્રેસની સાથે કોઈ પ્રેમ નથી. અમારી લડાઈ સ્વાભીમાનની લડાઈ છે અમે કોઈ ભીખ નહીં પણ અમારો હક માંગીએ છીએ. ભાજપની સરકારે જે 35 લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરી હતી તે સહાય શહિદોને મળી છે પણ તે સહાયની રકમ પાટીદારોના ધાર્મિક સ્થળ તરફથી અપાઈ છે સરકાર તરફથી નહીં. જ્યારે કોંગ્રેસે આ સહાય સરકાર તરફથી અપાશે એવી ખાતરી આપી છે.