ગાંધીજીના જીવનના મૂલ્યોની સમજ આપતું હૃદયકુંજ
મકાન સાથે જીવનની વિવિધ બાબતો સંકળાયેલી હોય છે. જે તે પ્રકારની ઉપયોગિતા માટે તો તે જરૂરી છે જ પણ સાથે સાથે તે એક વ્યક્તિત્વ કે વિચારધારાનું પ્રતિબિંબ પણ છે. જેમ શહેરનાં ઘણાં વિસ્તારો લેન્ડમાર્ક મકાનથી સૂચિત થાય છે તેમ મકાન થકી વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહની ઓળખ પણ બંધાય છે. જેમ વસ્ત્ર થકી વ્યક્તિની પસંદ-નાપસંદ તેમ જ તેનો અભિગમ વ્યક્ત થાય છે તેમ વ્યક્તિના આવાસ થકી પણ વ્યક્તિની ઓળખ બંધાય.
જો વસ્ત્ર એ વ્યક્તિ માટેનું પ્રથમ આવરણ છે તો આવાસ એ એનું વિસ્તૃત આવરણ છે. જે કામ વસ્ત્ર નાના પાયે કરે તે અને તેવું કેટલુંક કામ આવાસ મોટા પાયે કરે. વસ્ત્ર અને આવાસ બંને સગવડતા, રક્ષણ તથા ઓળખ માટે હોય છે. વસ્ત્ર થકી વ્યક્તિના જીવનનાં ઘણાં પાસાં ઉજાગર થાય તેવું તેના ઘર થકી પણ થાય. ગાંધીજી કેવાં હશે, તેમની સમજ કઈ હશે, જીવનમાં કયા મૂલ્યો સાથે તે જીવ્યાં હશે, તેમની દૃષ્ટિએ જીવનમાં અગત્યનું શું હશે, અને કેવા પ્રકારનો અગ્રતાક્રમ તેમના જીવનમાં હાવી રહ્યો હશે. આ બધી બાબતો તેમના પહેરવેશ પરથી પણ ઘણે અંશે જાણી શકાય અને તેવી જ રીતે તેમના આવાસ થકી પણ આ બાબતો ઉજાગર થઈ શકે.
અમદાવાદના સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજીનું નિવાસસ્થાન હૃદયકુંજ-સ્થાપત્યમાં વ્યક્તિના વ્યક્તિત્વનું આલેખન કરતું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગાંધીજીનું અમદાવાદનું આવાસ હૃદયકુંજ તેમના વ્યક્તિત્વનું સચોટ પ્રતિબિંબ હતું. જીવનમાં સાદગી,ન્યૂનતમ જરૂરિયાતો સાથે રહેવાનો તેમનો આગ્રહ, દરેક ક્ષણે સભાનતાપૂર્વકની સરળતા, દંભી આડંબરનો સદંતર અભાવ, જીવનમાં પૂરતી પારદર્શિતા, જે પ્રાપ્ય છે તેને જ માણવાનો અભિગમ, કુદરતી બાબતોને જેમ છે તેમ સ્વીકારી લેવાની આવડત, જીવનમાં બધાંનો જ સમાવેશ કરી લેવાની ભાવના, બિનજરૂરી બાબતો પ્રત્યે પૂર્ણ ઉદાસિનતા, સ્થાનિક બાબતોને અપાતું પ્રાધાન્ય, ભારતીય બાબતો તથા ભારતીયતા માટેનો અપાર પ્રેમ-ગાંધીજીના જીવનમાં આ બધી બાબતો મહત્ત્વની હતી. આમાંની ઘણી બાબતો તેમના પહેરવેશમાં જેમ વ્યક્ત થાય છે તેમ આવી કેટલીક બાબતો તેમના આવાસ હૃદયકુંજમાં વ્યક્ત થાય છે.
સામાજિક તથા રાજકીય મેળ-મિલાપ માટે આગળનો નદીને સન્મુખ વિશાળ વરંડો, જાણે તેમના જીવનની પારદર્શિતા દર્શાવે છે. આબોહવાને અનુરૂપ આ આવાસના આ વરંડાનો એક ભાગ જે થોડો વધુ બાધિત-નિર્ધારિત કરી ઓરડો બનાવાયો છે જે કેટલીક બાબતો માટેની જરૂરી ગોપનિયતા નિર્દેશિત કરે છે. છતાં, આ ઓરડામાં આવેલી બારીઓ તથા લાકડાની જાળી જાણે આ ગોપનિયતા જરૂરિયાત પ્રમાણની માત્રામાં ઓછી કરે છે. આ વરંડા તથા ઓરડાની ઊંચાઈ તથા પ્રમાણમાપ તે ‘અંગત’ના બદલે ‘જાહેર’ હોવાની પ્રતીતિ કરાવે છે. તેની પાછળના બે બારણાં તથા ત્રણ બારીવાળી પ્રમાણમાં બંધ કહી શકાય તેવી દીવાલ જાણે આ વરંડાવાળા ભાગને પાછળના ઘરના વિસ્તારથી અલગ પાડે છે. આ પાછળના ઘરના ભાગનું પ્રમાણમાપ નાનું તથા ઘરેલું લાગે તેવું છે. જેથી તે ભાગમાં વ્યક્તિ વધુ સહજતાથી તાદાત્મ્ય સ્થાપી શકે છે. આગળના વરંડામાંથી પાછળના વિસ્તારમાં પ્રવેશતાં અંદરના વરંડા સામે ખુલ્લો ચોક આવે છે જેની બંને તરફ ઓરડાઓ આવેલાં છે; જેમાં શયનકક્ષ, રસોઈ, ભોજન સ્થાન જેવાં સ્થાનો સમાવાયાં છે. અહીં વચ્ચેનો ચોક પાછળના વિસ્તારમાં ખુલે છે જેનાથી પાછળથી પણ મકાનના ઘરેલું ભાગમાં સીધા પ્રવેશી શકાય. અહીંના ઓરડાઓ પ્રમાણમાં નાના તથા વધુ બારીઓવાળાં છે જે વરંડામાં થઈને ચોકમાં ખૂલે છે. આ ઓરડાઓમાં અલાયદાપણા સાથે સંકલિતતા પણ છે.
નળિયાના ઢળતા છાપરાંવાળું આ મકાન સ્થાનિક સામગ્રી તથા બાંધકામની પ્રાપ્ય તકનિક પ્રમાણે બનાવાયું છે. હૃદયકુંજની સ્થાપત્યની પરિભાષા સંપૂર્ણ ભારતીય છે. અહીં માળખાકિય રચના લાકડામાંથી તથા દીવાલો ઇંટોમાંથી બનાવાઈ છે. આ લાકડાની બાંધણી તથા દીવાલોની રચના સંપૂર્ણ રીતે ભારતીય સ્થાનિક શૈલીની હોવાથી અહીં આપણે પરંપરાગત આવાસમાં હોઈએ તેવી પ્રતીતિ સહજ થાય છે.
પ્રમાણમાં નાનું છતાં મોકળાશની અનુભૂતિ કરાવતું. અંગત છતાં પણ સામાજિક પરિસ્થિતિ પ્રમાણે મુક્તતા દર્શાવતું, પરંપરાગત કહી શકાય તેવું છતાં પણ આગવું, રાષ્ટ્રનેતાના મોભાને અનુરૂપ છતાં સામાન્ય કહી શકાય તેવું, નીચા ઘાટનું છતાં ઉચ્ચ વિચારોને પોષતું, નદી સન્મુખ છતાં પાછળના ભાગને પણ મહત્ત્વ આપતું; આ અને આવી બાબતોથી હૃદયકુંજ સ્થાપત્યની એક વિશિષ્ટ રચના બને છે. આ બધાં સાથે અગત્યની વાત એક એ પણ છે કે અહીં જાણે બધાં જ ‘પોતાપણું’ અનુભવી શકે છે, ક્યાંય વ્યક્તિને એવી પ્રતીતિ નથી થતી કે પોતે અહીં ‘બહાર’ની વ્યક્તિ છે. ગાંધીજી જેમ પોતાના જીવનમાં આવનાર દરેક વ્યક્તિનો સમાવેશ કરી લેતાં તેમ હૃદયકુંજ પણ જાણે બધાં જ ને સહજતાથી સ્વીકારી લે છે.
અહીંથી ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળના સત્યાગ્રહને માર્ગદર્શન આપેલું. અહીં જ તેમણે નવ-ભારતના સંસ્કારના ઘડતર માટેના બીજ વાવ્યા હતા. આ આવાસ ભારતના ઘણાં નામી વ્યક્તિઓની મુલાકાતનું સાક્ષી છે, જેમણે ભારતનું ભાગ્ય લખવા ગાંધીજી સાથે ચર્ચાઓ કરી હતી. રાષ્ટ્રિય સ્મારક તરીકે ઘોષિત આ સ્થળેથી ગાંધીજીએ અસ્પૃશ્યતા સામે લડત ચલાવી હતી. પ્રાર્થના સ્થળની નજીક આવેલા આ આવાસમાંથી ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચની શરૂઆત કરી હતી. સન ૧૮૧૮થી ૧૯૩૦ના ગાળામાં તેઓ અહીં રહ્યાં તે પહેલાં પાલડી વિસ્તારના કોચરબ આશ્રમમાં તેઓ ૩ વર્ષ જેટલાં સમયગાળા માટે રહ્યાં હતાં. સત્યાગ્રહીઓના રહેવા માટે અહીંના આશ્રમની સ્થાપના કરાઈ હતી જ્યાં અહિંસા તથા સત્યના સમાજોપયોગી પ્રયોગો થઈ શકે. આ આશ્રમનું કેન્દ્ર તે હૃદયકુંજ.
હૃદયકુંજ એટલે હૃદયને રહેવાનું આવાસ. ઘણી રીતે આ નામ સાર્થક છે. એક રીતે જોતાં ગાંધીજી પોતે ભારતનો ધબકાર હતાં, સમગ્ર ભારતના સ્પંદનો જાણે તેમનામાં ઝીલાતા હતા. આવા માનવીનું રહેઠાણ એટલે હૃદયકુંજ.
આ મકાન સમગ્ર સ્વાતંત્ર્ય-સંગ્રામની ચળવળનું કેન્દ્ર હતું અને કેન્દ્ર એટલે હૃદય. થોડા નાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ આવાસ આશ્રમની અહિંસા તથા સત્ય માટેની ગતિવિધિના કેન્દ્રમાં પણ હતું. વળી ગાંધીજીના જીવનમાં મનના તર્ક કરતાં હૃદયની ઊર્મીઓનું પ્રાધાન્ય વધુ હતું. આવા સંદર્ભમાં આ આવાસનું નામ હૃદયકુંજ યથાર્થ બની રહે છે.
સ્થાપત્ય એ ઘણી રીતે સમાજમાં પ્રવર્તતા પ્રવાહોનું પ્રતિબિંબ છે. વિશાળ પરિપ્રેક્ષ્યમાં તે સામાજિક લાગણીઓનું, સામાજિક માળખાનું, સમાજની સદ્ધરતાનું તથા સામાજિક સમજનું પ્રતિબિંબ છે, સ્થાપત્ય થકી જે તે સમાજ તથા સંસ્કૃતિની ઘણી સામાજિક બાબતો ઉજાગર થતી હોય છે. તત્કાલીન સમાજ વ્યવસ્થા, આર્થિક સદ્ધરતા, રાજકીય ક્ષમતા વહીવટી માળખું, કળા માટેની સંવેદનશીલતા, તકનિકી જાણકારી તથા કુદરતના પરિબળો પ્રત્યેની જાગ્રતતા જેવી બાબતો સ્થાપત્યના માપદંડથી નિર્ધારિત થતી આવી છે, જેમ વ્યાપ-સ્થાપત્ય સમાજનું પ્રતિબિંબ છે તેમ એક મકાન વ્યક્તિ તથા તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.