નવસારીમાં મહિલાઓએ દારુના અડ્ડાઓ પર હલ્લાબોલ કર્યો
ગુજરાતમાં દારુબંધી છે એવું માત્ર કહેવા પુરતુ છે કારણ કે દારુબંધી સામે એક્શન લેનાર પોલીસ જ આજે દારુની મહેફિલ માણતા પોલીસના હાથે જ ઝડપાઈ છે ત્યારે વાંસદા તાલુકામાં ખામભળીયા ગામે બે બાળકો ઉપર થયેલા હુમલા બાદ ગામની મહિલાઓ આગળ આવી છે. હુમલાખોરે નશાની હાલતમાં બાળકો ઉપર હુમલો કર્યો હોવાનું લાગતા સ્થાનિક મહિલાઓએ ગામમાંથી દારૂની બદીને દૂર કરવાની નેમ લીધી છે. સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકાના ખામભળીયા ગામમાં બાળકો ઉપર બાઇકની ચાવી ન આપવા જેવી નજીવી બાબતે બ્લેડ વડે ઘાતકી હુમલો કરાયો હતો. હુમલામાં બાળકોને ગળા અને કાનના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ ઘટનાથી ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. નશાની હાલતમાં બાળકો ઉપર ઘાતકી હુમલો કરનાર ઇસમ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. પરંતુ ગામમાં ખુલ્લેઆમ ચાલતા નશાના વેપાર ઉપર ગામની જ મહિલાઓએ રોક લગાવવાનું નક્કી કર્યું છે. આથી સ્થાનિક સખી મંડળ અને ગામની મહિલાઓએ દારૂના અડ્ડાઓ ઉપર પહોંચીને સામગ્રીનો નાશ કર્યો હતો.ખામભળીયા ગામમાં ઘર કરી ગયેલા દારૂના દૂષણથી કેટલાય પરિવાર બરબાદ થયા છે. ગામની બહેનો વિધવા થઈ છે.
દારૂની બદીને કારણે જ બહેનોને પોતાના બાળકોનું ભરણ પોષણ કરવામાં તકલીફ પડે છે. આ તમામ બાબતોને લઈને હવે ગામની મહિલાઓ જાગૃત બની છે. મહિલાઓએ ગામમાંથી દારૂના દૂષણને દૂર કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. આ માટે મહિલાઓએ ગામના રસ્તાઓ ઉપર ઉતરીને દારૂના અડ્ડાઓ ઉપર હલ્લાબોલ કર્યો હતો. સાથે જ સખી મંડળની બહેનો ગામમાં દારૂબંધીનો કડક અમલ થાય તેવી માંગ કરી રહી છે.
બહેનોએ શરૂ કરેલી આ મુહિમમાં ગામના સરપંચ પણ જોડાયા છે.આદિવાસી સમાજમાં ઘર કરી ગયેલી દારૂની બદીને દૂર કરવા માટે અગાઉ સ્થાનિક કોંગી ધારાસભ્ય અનંત પટેલે મહિલાઓની જંગી રેલીમાં જોડાઈને જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, ત્યાર બાદ હાલ સુધી સ્થિતિ જૈસે થે રેહવા પામી હતી. સમગ્ર મામલે હવે સ્થાનિક રાજકારણ ગરમાયું હોય તેવો માહોલ બન્યો છે.