રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: બુધવાર, 2 માર્ચ 2022 (12:53 IST)

Corona Fourth Wave- ભારતમાં કોરોનાની ચોથી લહેર આવશે? નિષ્ણાતો શું માને છે?

કોરોના વાઇરસ મહામારી ખતમ થઈ ગઈ હોવાના દાવાઓ વચ્ચે વૈજ્ઞાનિકોએ ભારતમાં ચોથી લહેરની સંભાવના વ્યક્ત કરી છે.
 
આઈઆઈટી કાનપુરના સંશોધકોએ ભારતમાં જૂન મહિનામાં કોરોનાની ચોથી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે.
 
ભારત સરકારના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર કોરોના સંક્રમણને કારણે ભારતમાં અત્યાર સુધી 4,29,31,045 લોકો સંક્રમિત થયા છે અને 5,14,023 લોકો મૃત્યુ પામ્યાં છે.
 
2020માં કોરોનાની પહેલી લહેરની (ભારતમાં કડક લૉકડાઉન લાગુ હતું ત્યારે) અસર અમેરિકા તથા યુરોપના અનેક દેશો કરતાં ઘણી ઓછી ગંભીર જોવા મળી હતી, પરંતુ વર્ષ 2021માં ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં બહુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આરોગ્યતંત્રની હાલત કથળી ગઈ હતી.
 
જોકે કોરોના વાઇરસના સૌથી મોટા વૅરિયન્ટ ઓમિક્રૉનને કારણે દેશમાં આવેલી ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ ફેલાયું, પરંતુ તેની અસર પ્રથમ બે લહેર કરતાં ઘાતક એટલે નહોતી કે નિષ્ણાતો અનુસાર લોકોમાં વાઇરસની સામે રસીને કારણે રોગ પ્રતિકારકશક્તિનો વિકાસ થયો હતો અને વૅરિયન્ટ ચેપી વધુ હતો પણ ગંભીર રીતે લોકોને બીમાર નહોતો કરી શક્યો.
 
ભારતમાં કોરોનાની ચોથી લહેરની આગાહી
 
જોકે આ પહેલાં વિશ્વના અનેક વૈજ્ઞાનિકો કોરોનાને હવે શરદી અને તાવથી વધુ તીવ્ર ન હોવાનું કહી ચૂક્યા છે.
 
વૈજ્ઞાનિકો હજી આ અભ્યાસ અંગે વધુ સંશોધન કરી રહ્યા છે. આઈઆઈટી કાનપુરના મૅથેમેટિક્સ ઍન્ડ સ્ટૅટેટિક્સ વિભાગ દ્વારા કરાયેલા આ સંશોધન પ્રમાણે હાલની સ્થિતિ અને દેશમાં વર્તમાન વૅક્સિનેશન આંકડાઓને આધારે આગામી ચાર મહિનામાં કોરોનાની નવી લહેર આવી શકે છે.
 
અભ્યાસમાં કહેવાયું છે કે, "કોરોના વાઇરસના પ્રાથમિક ડેટા આવ્યાની તારીખ 30 જાન્યુઆરી, 2020 હતી. એ પ્રમાણે 936 દિવસે ચોથી લહેર આવી શકે છે. આથી 22 જૂન, 2022ના રોજથી ભારતમાં ચોથી લહેરની આશંકા છે, જે 23 ઑગસ્ટ, 2022ની આસપાસ પીક પર પહોંચી શકે છે અને 24 ઑક્ટોબર, 2022 બાદ આ લહેરની અસર ખતમ થશે."
 
 
વધુ ઘાતક વૅરિયન્ટની આશંકા
સંશોધન પ્રમાણે વૅક્સિનના પહેલા, બીજા તેમજ બૂસ્ટર ડોઝની અસર ચોથી લહેર દરમિયાન સંક્રમણ, તેની તીવ્રતા તેમજ અન્ય રોગો માટે મહત્ત્વનો ભાગ ભજવશે.
 
સંશોધકોએ આ અભ્યાસમાં પણ કોરોનાના વઘુ ઘાતક અને વધુ તીવ્ર વૅરિયન્ટની આશંકા પણ વ્યક્ત કરી છે. જેનો આધાર સંભવિત વૅરિયન્ટની સંક્રામકતા, મૃત્યુદર જેવાં પરિબળો પર આધારિત હોવાનું કહેવાયું છે.
 
સંશોધન પ્રમાણે વૅક્સિનના પહેલા, બીજા તેમજ બૂસ્ટર ડોઝની અસર ચોથી લહેર દરમિયાન સંક્રમણ, તેની તીવ્રતા તેમજ અન્ય રોગો માટે મહત્ત્વનો ભાગ ભજવશે. એટલે કે જો કોરોના રસીની અસર નવા વૅરિયન્ટ સામે નબળી રહી, તો શક્ય છે કે કોરોનાની ચોથી લહેર ત્રીજી લહેર કરતા વધુ તીવ્ર હોઈ શકે છે.
 
જોકે આ પહેલાં વિશ્વના અનેક વૈજ્ઞાનિકો કોરોનાને હવે શરદી અને તાવથી વધુ તીવ્ર ન હોવાનું કહી ચૂક્યા છે.
 
 
નિષ્ણાતો કહે છે કે હર્ડ ઇમ્યુનિટી ભવિષ્યમાં મોટી ભૂમિકા ભજવશે.
 
કોરોના વાઇરસની ચોથી લહેરની શક્યતા તથા તે કેટલી ઘાતક હોઈ શકે? આ અંગે બીબીસી ગુજરાતીએ આરોગ્ય નિષ્ણાતો સાથે વાત કરી હતી.
 
કોરોના વાઇરસની ચોથી લહેરની શક્યતા વિશે વાત કરતા ફેફસાંના રોગોના નિષ્ણાત ડૉ. તુષાર પટેલે બીબીસી ગુજરાતની કહ્યું કે એવી શક્યતા ઓછી છે કે ચોથી લહેર આવશે. જો આવશે તો તે તીવ્ર નહીં હોય.
 
આનું કારણ સમજાવતા તેઓ કહે છે કે, "મોટા ભાગના લોકોમાં હવે હાઇબ્રિડ અને પ્રાકૃતિક રૂપથી ઇમ્યુનિટીનો વિકાસ થઈ ગયો છે એટલે જો કોઈ મોટો વૅરિયન્ટ, જેમ કે ઓમિક્રૉન આવે તો તે વધુ સંક્રામક હોઈ શકે પરંતુ ઘાતક ન હોઈ શકે."
 
ડૉ. તુષાર પટેલની વાત સાથે સહમત થતા ગુજરાત સરકારની કોરોના ટીમના અગ્રણી અને ઝાઇડસ હૉસ્પિટલ સાથે જોડાયેલા ડૉક્ટર વી.એન. શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "કોરોના વાઇરસ ગયો નથી અને તે જવાનો પણ નથી, એ સામાન્ય ફ્લૂ જેવો જ બની જશે."
 
તેઓ કહે છે કે, "ચોથી લહેર આવી શકે તેની શક્યતા છે પરંતુ તેનું એટલું નુકસાન થવાનું નથી. કોરોના વાઇરસ એક સામાન્ય બીમારી બની રહેશે"
 
"કોરોના વાઇરસ આપણી સાથે રહેતો થઈ જશે, આવનારા સમયમાં વૅરિયન્ટ માઇલ્ડ થતા જશે. દાખલા તરીકે પહેલાં સ્વાઇન ફ્લૂ કેટલો ગંભીર હતો પરંતુ હવે તે એટલી હદે ગંભીર નથી બનતો."
 
ત્યારે ડૉ. તુષાર પટેલનું કહેવું છે કે, "કોરોના વાઇરસ હવે ઍન્ડેમિક એટલે કે દાખલા તરીકે ઋતુ બદલાય તો કેવી રીતે તાવ-શરદીનો અનેક લોકોને ચેપ લાગતો હોય છે પરંતુ તે ગંભીર હોતી નથી. એવો થઈ જશે."
 
નિષ્ણાતોનું માનવું છે કે રસીકરણે કોરોના વાઇરસ સામેની લડતમાં મોટી ભૂમિકા ભજવી છે. અત્યાર સુધી કેન્દ્રીય આરોગ્ય વિભાગ અનુસાર ભારતમાં અત્યાર સુધી કુલ 1,77,70,25,914 જેટલા ડોઝ આપી દેવાયા છે.
 
ભારતમાં આરોગ્યકર્મીઓ અને વૃદ્ધોને બૂસ્ટર ડોઝ મૂકવામાં આવ્યા છે ત્યારે 15થી 18 વર્ષના કિશોરોને પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે.
 
શું વૅક્સિનની અસર ઓછી થશે એટલે પાછી લહેર આવશે?
 
આ પ્રશ્નોનો જવાબ આપતા ડૉ. તુષાર પટેલ કહે છે કે, "ઓમિક્રૉન વૅરિયન્ટનું સંક્રમણ જ્યારે ઝડપથી ફેલાઈ રહ્યું હતું ત્યારે વૅક્સિન લઈ ચૂકેલા લોકો પણ બીમાર પડ્યા હતા પરંતુ ગંભીર રીતે બીમાર થયા હોવાના કેસ બહુ નહોતા."
 
તેમનું માનવું છે કે રસી લેવાને કારણે જ લોકો ત્રીજી લહેર વખતે વધુ ગંભીર બીમાર નહોતા પડ્યા.
 
તો શું ભવિષ્યમાં કોરોના વાઇરસની રસીના ડોઝ લેવા પડશે. આ અંગે વાત કરતા ડૉ. તુષાર પટેલ કહે છે કે, "આગળના સમયમાં લોકોમાં કેવા પ્રકારની રોગપ્રતિકારક શક્તિ રહે છે તેને જોતાં વૅક્સિનના વધુ ડોઝ લેવા પડશે કે નહીં."
 
નિષ્ણાતો કહે છે કે હર્ડ ઇમ્યુનિટી ભવિષ્યમાં મોટી ભૂમિકા ભજવશે. ડૉ. વી.એન.શાહ કહે છે કે, "વૅક્સિનેશને કોરોના વાઇરસ સામેની લડતમાં જબરજસ્ત મદદ કરી છે અને હર્ડ ઇમ્યુનિટી પણ લોકોમાં આવી ગઈ છે. ઓમિક્રૉન જેટલી ઝડપથી ફેલાયો તેને જોતાં લાગે છે કે લોકોમાં હર્ડ ઇમ્યુનિટીનો વિકાસ થયો છે."
 
ઓમિક્રૉન વૅરિયન્ટ સામે લડવા રસીનો ત્રીજો ડોઝ જરૂરી છે?
બૂસ્ટર ડોઝ : રસીના બે ડોઝની સરખામણીએ બૂસ્ટર ડોઝ વધુ ફાયદાકારક સાબિત થાય?
 
મહત્વનું છે કે ભારતમાં કોરોના વાઇરસના પ્રતિદિન કેસોની સંખ્યા છેલ્લા બે મહિનાથી 10 હજારથી નીચે છે. જ્યારે કે મૃત્યુ દર પણ ખૂબ જ ઓછો છે. એવામાં કોરોનાની નવી લહેરની આશંકા ચિંતાનો વિષય છે.
 
જોકે આનાથી અલગ વિશ્વ આરોગ્ય સંસ્થાએ હાલમાં જ એક ચેતવણી જારી કરી હતી કે ઓમિક્રૉન એ કોરોનાનો સૌથી ઘાતક વૅરિયન્ટ નથી, પરંતુ એ પછીનો વૅરિયન્ટ વધુ ચેપી હોઈ શકે છે.
 
વિશ્વ આરોગ્ય સંગઠનની કોવિડ 19ની ટીમના મારિઆ વેન કેરખોવે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'કોરોનાનો હવે પછીનો વૅરિયન્ટ વધુ ફિટ એટલે કે વધુ સંક્રામક હશે, જે હાલ કરતાં વધારે ઝડપથી સંક્રમણ ફેલાવી શકે છે.'
 
આ પૂર્વે પણ આઈઆઈટી કાનપુરની આ જ રિસર્ચ ટીમે ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરી હતી. આ ટીમે તેના રિસર્ચમાં કહ્યું હતું કે, 'ઓમિક્રૉનને કારણે દુનિયાના અનેક દેશોમાં કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધશે અને ભારતમાં પણ એ સ્થિતિ સર્જાઈ હતી.'
 
સંશોધકોએ હાલના રિસર્ચ પેપરમાં નોંધ્યું છે કે, "ઘણા દેશોમાં કોરોનાની ત્રીજી લહેર આવી છે, જ્યારે કે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે જેવા દેશોમાં હાલ ચોથી લહેર ચાલી રહી છે. ઝિમ્બાબ્વેના આકંડાઓને આધારે ભારતમાં ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી હતી, એ પ્રમાણે ભારતમાં ત્રીજી લહેર ખતમ થઈ ચૂકી છે. એનો સીધો અર્થ છે કે ભારતમાં ચોથી લહેર પણ આવશે."
 
મહત્વનું છે કે ભારતમાં કોરોના વાઇરસના પ્રતિદિન કેસોની સંખ્યા છેલ્લા બે મહિનાથી 10 હજારથી નીચે છે. જ્યારે કે મૃત્યુદર પણ ખૂબ જ ઓછો છે. એવામાં કોરોનાની નવી લહેરની આશંકા ચિંતાનો વિષય છે.