હાલ ઓમિક્રૉન વૅરિયન્ટે દુનિયાભરમાં કોરોનાના કેસની સુનામી લાવી દીધી છે અને યુરોપ અમેરિકામાં એક જ દિવસમાં લાખો કેસ આવી રહ્યા છે. તો જાણવા જેવી બાબત એ છે કે ખરેખર શરદી થતી હોય એને કોરોના સામે કુદરતી રક્ષણ મળે છે કે કેમ?
હાલમાં જ થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે કદાચ સામાન્ય શરદી કોરોના સામે કુદરતી રક્ષણ પૂરું પાડી શકે છે. આ સંશોધનમાં 52 જેટલી વ્યક્તિઓ સામેલ થઈ હતી. આ એવા લોકો હતા જેઓ તાજેતરમાં જ જેમને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતું તેમની સાથે રહેતા હતા.
આ લોકોએ સામાન્ય શરદી થયા બાદ રોગપ્રતિકારક કોષોની ચોક્કસ પ્રકારની મેમરી બૅંક વિકસાવી હતી. જેથી ભવિષ્યના હુમલા સામે રક્ષણ મેળવી શકાય. આવા લોકોમાં કોરોના થવાની શક્યતા સંભવિત ઓછી હોવાનું રિસર્ચમાં સામે આવ્યું છે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે કોરોના સામે સૌથી સારું રક્ષણ માત્ર વૅક્સિન જ આપી શકે છે, એટલે શરદી થઈ હોય તો પણ કોરોના નહીં જ થાય એવું માનીને ચાલવું નહીં.
શરદી કઈ રીતે કોરોના સામે મદદરૂપ થઈ શકે?
રિસર્ચ સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે કોરોનીની રસી જ હાલની મહામારી સામે લડવા માટેનું મુખ્ય હથિયાર છે, પરંતુ તેમનું સંશોધન ખૂબ ઉપયોગી થઈ શકે છે. તેઓ માને છે કે આપણા શરીરની સંરક્ષણ પ્રણાલી કેવી રીતે વાઇરસ સામે લડે છે તેના માટે આ સંશોધન ખૂબ ઉપયોગી બનશે.
કોવિડ-19 કોરોના વાઇરસને કારણે થાય છે અને કેટલીક પ્રકારની શરદી પણ વિવિધ કોરોના વાઇરસથી થાય છે. તેથી વૈજ્ઞાનિકોનું માનવું છે કે એક પ્રકારના કોરોના વાઇરસ સામેની રોગપ્રતિકારક શક્તિ કદાચ બીજા પ્રકારના કોરોના વાઇરસ સામે રક્ષણ આપી શકે છે.
જોકે, સામે પક્ષે વૈજ્ઞાનિકો એવી પણ ચેતવણી પણ આપે છે કે તમામ શરદી કોરોના વાઇરસના કારણે થતી નથી, તેનાં બીજાં પણ કારણો હોય છે. એટલે તાજેતરમાં જ જો શરદી થઈ હોય તો તે કોરોના સામે રક્ષણ આપશે એવું માનવાની ભૂલ ન કરવી.
હાલ લંડનની ઇમ્પિરિયલ કૉલેજની ટીમ એ વાત જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે કોરોના વાઇરસના સંપર્કમાં આવેલા કેટલાક લોકોને કોવિડ-19નું સંક્રમણ લાગ્યું છે, જ્યારે કેટલાક લોકોને કેમ તેનું સંક્રમણ નથી લાગ્યું.
શરદી અને કોરોના પર કેવી રીતે થઈ રહ્યું છે સંશોધન?
વૈજ્ઞાનિકો હાલ તેમના સંશોધનનું ફોક્સ શરીરની ઇમ્યુન સિસ્ટમના ટી-સેલ પર કેન્દ્રિત કરી રહ્યા છે. કેટલાક ટી-સેલ શરીરમાં સંક્રમિત થયેલા કોઈ પણ સેલને મારી નાખે છે. શરદીનું સંક્રમણ લાગે તો આ ટી-સેલ તેનાથી સંક્રમિત થયેલા સેલને મારી નાખે છે. શરદી મટી ગયા બાદ પણ આ ટી-સેલ શરીરમાં મેમરી બૅંક તરીકે મોજૂદ રહે છે. જ્યારે પણ ફરીથી આવા પ્રકારના વાઇરસનું સંક્રમણ થાય કે તરત જ તેની સામે આ સેલ રક્ષણ આપવા માટે તૈયાર રહે છે.
સપ્ટેમ્બર 2020માં સંશોધકોએ 52 લોકો પર રિસર્ચ કર્યું હતું, જેમણે હજી કોરોનાની રસી મુકાવી ન હતી. આ લોકો એવા હતા જેઓ કોરોનાનું સંક્રમણ થયેલા લોકો સાથે રહ્યા હતા. જેમાંથી અડધા લોકોને 28 દિવસમાં કોરોના થયો હતો અને અડધા લોકોને કોરોનાની કોઈ અસર થઈ ન હતી. જે લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું નહોતું તેમાંથી ત્રીજા ભાગના લોકોના લોહીમાં ટી-સેલનું મેમરી બૅંક તરીકેનું ખૂબ ઊંચું પ્રમાણ જોવા મળ્યું હતું.
જેથી રિસર્ચ કરનારાઓનું માનવું છે કે તેઓ આ પહેલાં સામાન્ય શરદી કે માણસને અસર કરતાં બીજા પ્રકારના કોરોના વાઇરસથી પહેલાં સંક્રમિત થયેલા હોવા જોઈએ.