ટ્વિટરમાં ટોચના ટ્રૅન્ડ્સમાંથી એક #Dolo650 છે, જે દવાનું નામ છે. ઘણા લોકોને અચરજ થઈ રહ્યું છે કે અચાનક આ દવાની ચર્ચા કેમ થઈ રહી છે?
આ દવાનો ઉપયોગ ઝડપથી વધ્યો હોવાથી આ અંગે લોકો રમૂજ કરી રહ્યા છે અને મીમ્સ પણ શૅર કરી રહ્યાં છે.
Dolo 650 દવાનો ઉપયોગ વધવા પાછળનું મુખ્ય કારણ શું છે?
કોરોના વાઇરસની બીજી લહેર વખતે ગુજરાત અને દેશમાં ઠેકઠેકાણે આરોગ્ય સંલગ્ન ચીજો અને કેટલીક દવાઓની અછત પણ સર્જાઈ હતી, જેમાંથી એક Dolo 650 પણ હતી.
ટ્વિટર પર ઘણા યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે કોરોના મહામારીની શરૂઆત થઈ, ત્યાંથી આ દવાનું સેવન વધ્યું છે અને આના પરની નિર્ભરતા વધી રહી છે. #Dolo650 ટ્રૅન્ડ
Dolo 650 અંગે સોશિયલ મીડિયામાં લોકોની જાતભાતની પ્રતિક્રિયા આવી રહી છે. ખુશી નામનાં ટ્વિટર યૂઝરે પણ એક મીમ શૅર કર્યું હતું.
આ ટ્રૅન્ડમાંથી ઉત્તર પ્રદેશ પોલીસ પણ બહાર નથી, તેમને પણ ટ્વીટ કરીને આ અંગે રમૂજ કરી છે.
@KumarPintu1217 ટ્વિટર હૅન્ડલ પરથી પણ એક ટ્વીટ કરવામાં આવ્યું છે. તેમણે તસવીરોના માધ્યમથી એમ લખ્યું કે ડોલો 650 તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર, શરદી કે પછી અન્ય કોઈ સમસ્યા હશે તેમાં પણ કામ આવે છે.
અમન પોદ્દારે લખ્યું કે, "Dolo 650ની નિર્માતા કંપની માઇક્રો લૅબ્સ હજી સુધી લિસ્ટેડ નથી. શું આવનારા દિવસોમાં કંપની તરફથઈ IPO માટે તૈયારી કરતી જોઈશું? અથવા કૅડબરી અને માઇક્રો લૅબ્સ લિમિટેડનું મર્જર."
કોરોના વાઇરસ મહામારી શરૂ થઈ ત્યારથી આ દવાનો ઉપયોગ વધી ગયો હોવાનું તબીબો પણ સ્વીકારે છે.
કોરોના વાઇરસની રસી લીધા બાદ આડઅસરને ટાળવા માટે પણ આ દવા લોકો લેતા હોય છે.
જોકે વિશ્વ આરોગ્ય સંગઠને થોડા મહિના અગાઉ ચેતવ્યા હતા કે કોરોના રસી લેતા પહેલાં પેરાસિટામોલ કે અન્ય પેઇનકિલર દવાઓ ન લેવી જોઈએ. જો રસી લીધા બાદ આડઅસર થાય તો જ તે લેવી જોઈએ.
સાથે જ તબીબની સલાહ લીધા વગર દવા લેવી ન જોઈએ.
આ અંગે દિલ્હીની મહારાજા અગ્રસેન હૉસ્પિટલમાં કાર્યરત્ ડૉ. દુર્ગેશ મોદી બીબીસી ગુજરાતીના પાર્થ પંડ્યા સાથે વાત કરતાં કહે છે કે "ડોલો 650 દવા ઍન્ટિપાયરેટિક એટલે કે તાવ ઉતારનારી અને ઍન્ટિઇન્ફ્લૅમેટરી છે. તે તાવ ઉતારવાની સાથે શરીરમાં થતી પીડા કે બળતરાને પણ ઘટાડે છે."
ફૅમિલી ફિઝિશિયન ઍસોસિયેશનના વડોદરા એકમના પ્રમુખ ડૉ. કેતન શાહ માને છે કે આ દવાનો ઉપયોગ વધ્યો છે, કારણ કે કોરોના સહિત અન્ય ફ્લૂની સારવારમાં આ દવા ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવે છે.
Dolo 650 આડઅસર
અન્ય દવાઓની જેમ આ દવાની પણ આડઅસર થવાની શક્યતા રહેલી છે.
ડૉ. કેતન શાહ કહે છે કે, "ઘણી બધી દવાઓ એવી હોય છે, જેને લાંબા ગાળા સુધી લેવાથી લીવરને માઠી અસર થઈ શકે છે."
"આ દવાનું પણ એવું જ છે, ડૉક્ટર્સ દ્વારા સૂચવ્યા પ્રમાણે ચાર-પાંચ દિવસ સુધી કે ટૂંકા ગાળા માટે તેને લેવામાં આવે તો તેની આડઅસર થતી નથી. પણ લાંબા ગાળા સુધી આ દવા લેવાથી લીવરને આડઅસર થાય છે."
ડૉ. દુર્ગેશ મોદી કહે છે કે, "આ દવા જો દિવસમાં ત્રણ ગ્રામથી વધારે દવા દર્દીના શરીરમાં જાય તો લીવર ફેઇલ થવાની શક્યતા રહે છે."
ડૉ. મોદી કહે છે કે આ દવાનો ઓવરડોઝ જોખમી સાબિત થઈ શકે છે.
કેટલાક તબીબો એવી પણ સલાહ આપે છે કે કિડની અને લીવરની બીમારીઓ ધરાવતા દર્દીઓએ ડોલો 650 ન લેવી જોઈએ.
Dolo 650 ડોઝ
ડૉ. દુર્ગેશ મોદી કહે છે કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની સ્વસ્થ વ્યક્તિના શરીરમાં આ દવા એક દિવસમાં ત્રણ ગ્રામથી વધુ ન જવી જોઈએ, એટલે કે દિવસમાં ચારથી વધુ ગોળી લેવી જોખમી સાબિત થઈ શકે છે.
તેઓ કહે છે કે બાળકો માટે આ દવાનું પ્રમાણ જુદું હોય છે, એટલે તેમને ઓછા પાવરવાળી દવા આપવામાં આવે છે.
ડૉ. કેતન શાહ કહે છે કે "આ દવાની દિવસમાં ત્રણથી વધારે ગોળી આપવી ન જોઈએ, જો વધારે જરૂર હોય તો જ ચાર ગોળી આપવામાં આવે છે."
"ચારથી વધારે ગોળી કોઈ પણ સંજોગોમાં આપવી ન જોઈએ."
તેઓ કહે છે કે બે ડોઝના વચ્ચે ઓછામાં ઓછા આઠ કલાકનું અંતર રાખવું જરૂરી છે.
કોરોનાની સારવારમાં Dolo 650નો ઉપયોગ થાય છે?
કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીની સારવારમાં અને કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રસી લીધા બાદ આડઅસરને રોકવા માટે પણ આ દવાનો ઉપયોગ થાય છે.
ડૉ. કેતન શાહ અને ડૉ. દુર્ગેશ મોદી કહે છે કે તબીબો દ્વારા કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓ અને અન્ય ફ્લૂના દર્દીઓને તાવ આવતો હોય ત્યારે આ દવા આપવામાં આવે છે.
આ દવા તાવને કાબૂમાં લેવાનું કામ કરે છે અને સાથે જ તે હળવી કે મધ્યમ પીડા પણ ઘટાડે છે. આ દવા કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી નથી.
સાથે જ તેઓ ભાર મૂકે છે કે તબીબી સલાહ લીધા વિના કોઈ પણ દવા લેવાનું ટાળવું જોઈએ.