સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (17:37 IST)

એ મંદિર જેને તોડવાના વિરોધમાં દલિતોએ દિલ્હીમાં ઉગ્ર પ્રદર્શન કર્યાં

દિલ્હીના તુઘલકાબાદ વિસ્તારમાં તાજેતરમાં રવિદાસમંદિર તોડવાની ઘટના ઘટી હતી. જેના વિરોધમાં બુધવારે દેશની રાજધાનીમાં મોટા પ્રમાણમાં વિરોધપ્રદર્શન થયાં. આ દરમિયાન થયેલી હિંસામાં કેટલાક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ એક વરિષ્ઠ પોલીસઅધિકારીને ટાંકીને લખ્યું છે કે પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ અને અન્ય 50ની અટકાયત કરાયા બાદ આ વિસ્તારમાં તણાવ છે અને મોટા પાયે પોલીસબંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
દિલ્હી પોલીસના ડીએસપી(દક્ષિણ-પૂર્વ) ચિન્મય બિસ્વાલે જણાવ્યું, "સાંજે સાત વાગ્યે રવિદાસ માર્ગ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં. શાંતિ જાળવી રાખવાના પોલીસના આગ્રહ છતાં તે અનિયંત્રિત અને હિંસક થઈ ગયાં અને પોલીસ પર પથ્થર ફેંકવા લાગ્યાં તથા હુમલો પણ કરવા લાગ્યાં."
સમાચાર એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસને ટાંકીને જણાવ્યું છે કે ચંદ્રશેખરની ધરપકડ કરી લેવાઈ છે. આઈપીસીની કલમ 147, 149, 186, 353, 332 અંતર્ગત ગોવિંદપુરી પોલીસસ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. અન્ય પ્રદર્શનકારીઓની પણ પોલીસે અટકાયત કરી છે. આ મામલે આગળન તપાસ ચાલી રહી છે.
તેમણે કહ્યું કે કાર્યવાહી દરમિયાન કેટલાક પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે પણ કોઈ સામાન્ય વ્યક્તિ ઘાયલ નથી થઈ.
ચિન્મય બિસ્વાલે કહ્યું, "અનિયંત્રિત ભીડમાંથી કેટલાક લોકોની અટકાયત કરાઈ છે અને તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."
 
હિંસક પ્રદર્શન
દિલ્હીના તુઘલકાબાદમાં 10 ઑગસ્ટની સવારે દિલ્હી ડેવલપમૅન્ટ ઑથૉરિટી(ડીડીએ)એ સુપ્રીમ કોર્ટના આદેશ પર ગુરુ રવિદાસમંદિરને તોડી પાડ્યું હતું.
એ બાદ દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવાં પડોશી રાજ્યોમાં આ મામલે પ્રતિક્રિયા જોવા મળી હતી.
આ જ મામલે બુધવારે દિલ્હીમાં એક વિરોધપ્રદર્શનનું આયોજન કરાયું, જેમાં કેટલાંય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ આવ્યા. તેમની હાજરીને પગલે દિલ્હીના કેટલાય વિસ્તારોમાં ટ્રાફિક-જામ પણ સર્જાયો.
પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક પ્રદર્શનકારીઓએ અમુક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું અને બે મોટરસાઇકલને પણ આગ લગાડી દીધી.
ભીમ આર્મીનું કહેવું હતું કે તે તોડી પડાયેલા મંદિરની જગ્યા પર સંત રવિદાસની મૂર્તિ લગાડવા માગે છે.
ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરનું કહેવું હતું કે 'જો તેમનું મૃત્યુ નીપજે તો તેમના મૃતદેહને મંદિર સુધી લઈ જવામાં આવે.'
જોકે, પ્રદર્શન દરમિયાન હાજર બીબીસીના સંવાદદાતા ફૈઝલ મોહમ્મદ અલીએ જણાવ્યું કે આયોજનને લઈને થોડા ભ્રમની સ્થિતિ પણ સર્જાઈ હતી.
ચંદ્રશેખરે બુધવાર સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી કે પોલીસતંત્ર ડરીને પ્રદર્શનને જંતર-મંતર લઈ જવાની મંજૂરી નથી આપી રહ્યું.
એ બાદ પ્રદર્શનકારીઓ પહેલા રામલીલા મેદાનમાં એકઠા થયા અને થોડી વાર બાદ દક્ષિણ દિલ્હી તરફ ચાલી નીકળ્યા. તુઘલકાબાદ પણ આ જ વિસ્તારમાં છે.
ફૈઝલ મોહમ્મદ અલીએ એ પણ જણાવ્યું કે રેલી દરમિયા બહુજન સમાજવાદી પક્ષનાં નેતા માયાવતીના સમર્થકોની જૂજ હાજરી જોવા મળી.
ઉલ્લેખનીય છે કે માયાવતી અને ચંદ્રશેખર વચ્ચે તણાવના સમચારો છાશવારે આવતા રહે છે.
 
ક્યાં હતું સંત રવિદાસનું મંદિર?
વર્ષ 1443માં જન્મેલા સંત રવિદાસનું મંદિર દિલ્હીના 'જહાપનાહ સિટી ફૉરેસ્ટ'થી દક્ષિણ-પૂર્વ દિશામાં આવેલું હતું.
મંદિરસ્થળથી સવા સો મીટર દૂર આવેલા માર્ગને 'ગુરુ રવિદાસ માર્ગ' નામ આપવામાં આવ્યું છે. બસ સ્ટૅન્ડને પણ મંદિરના નામ પરથી નામ આપવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં મંદિરની જે જમીનને ડીડીએની ગણાવી છે, તેની ત્રણ તરફ ઊંચી દીવાલ છે અને એક ભાગ જંગલ સાથે જોડાયેલો છે.
ગુરુ રવિદાસ માર્ગથી આ મંદિર સુધીથી આ મંદિર સુધી પહોંચવા માટે અહીં એક મોટો દરવાજો હતો, જેને મંદિર તોડી પાડ્યા બાદ ડીડીએએ બંધ કરી દીધો છે.
આ દરવાજાને બદલે હવે અહીં એક કાચી દીવાલ ઊભી કરી દેવામાં આવી છે.