મહિલા શક્તિનો મહિમા: વિશ્વ મહિલા દિવસ પૂર્વ વડોદરાના નિશા કુમારીએ અમદાવાદમાં રાત્રી મેરેથોનમાં વિજય મેળવ્યો
મહિલા શક્તિનો મહિમા: ૧૨ કલાકમાં આ દોડ વીરાંગનાએ પ્રત્યેક ૬ કિલોમીટરના ૧૩ ચક્ર પૂરા કરીને ૭૮ કિમીનું અંતર કાપ્યું
વિશ્વ મહિલા દિવસ આગામી મંગળવાર તા.૮ મી માર્ચના રોજ ઉજવાશે.વડોદરાની દોડવીર યુવતીએ જાણે કે આ ઉજવણીની આગોતરી યશસ્વી શરૂઆત કરી દીધી છે. શિક્ષણથી ગણિતશાસ્ત્રી એવી આ યુવતી નિશાકુમારીએ તાજેતરમાં અમદાવાદ શાંતિગ્રામ ખાતે યોજાયેલી અદાણી નાઈટ અલ્ટ્રા મેરેથોનમાં ગર્લ્સ કેટેગરીમાં વિજય મેળવ્યો છે.અમદાવાદ ડિસ્ટન્સ રનર સંસ્થા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના ધાવકોએ ભાગ લીધો હતો.
આ મેરેથોન ૪,૬ અને ૧૨ કલાકની ત્રણ કેટેગરીમાં યોજાઈ હતી જેમાં કુલ ૧૮૦ જેટલાં સ્પર્ધકો એ ભાગ લીધો હતો. નિશાએ આ મેરેથોનમાં બાર કલાકની કેટેગરીમાં ભાગ લઈને સાંજના ૭ વાગ્યાથી બીજા દિવસની સવારના ૭ વાગ્યા સુધી દોડ લગાવી હતી. તેણે આ દરમિયાન ૧૨ કલાકમાં ૬ કિમી ના ૧૩ ચક્રો પૂરા કરીને કુલ ૭૮ કિમીની દોડ પૂરી કરીને પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો. હાલમાં આ દીકરી નિયમિત રીતે દૈનિક ૫ થી ૧૦ કિમી મહાવરા માટે દોડે છે.
નિશાનું લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટ ચઢવાનું છે.તેના માટે તે આ તનતોડ પરિશ્રમ કરી રહી છે. તેણે પોતાની આ હાલની સિદ્ધિ વિશ્વ મહિલા દિવસને સમર્પિત કરી છે.ભૂતકાળમાં તેણે ૧૨ કલાકની અવિરત દોડ એકથી વધુ વાર પૂરી કરી છે. સૈનિક પરિવારની આ દીકરીની ઈચ્છા લશ્કરમાં જોડાવાની હતી.પરંતુ કેટલીક મર્યાદાઓને આધીન તેનું આ સપનું પૂરું ના થઈ શક્યું.
તે પછી તેણે વોકિંગ, સાયકલિંગ અને રનીંગને એક પેશન તરીકે સ્વીકાર્યા છે. હિમાલયના બરફીલા પ્રદેશમાં સાહસ યાત્રાઓ કરી છે.તેની સાથે તે કોરોના રસીકરણની જાગૃતિ,બેટી પઢાઓ અભિયાન જેવા સામાજિક ધ્યેયોનો પ્રચાર પણ કરે છે.આ નાઈટ અલ્ટ્રા મેરેથોનનું પ્રેરક સૂત્ર છે there is no finish line. નિશાએ જાણે કે તેને જીવન સૂત્ર તરીકે અપનાવ્યું છે અને અટક્યા વગર સતત નવી નવી મંઝિલો સુધી તે દોડી રહી છે.