બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : રવિવાર, 24 જુલાઈ 2022 (10:31 IST)

નીરજ ચોપરાએ વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો

ટોક્યો ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડાએ વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપના પુરુષ જૅવલિન થ્રો (ભાલાફેંક) મુકાબલામાં સિલ્વર મેડલ જીત્યો છે.
 
નીરજ ચોપરાએ ચોથા પ્રયાસમાં 88.13 મીટર લાંબો થ્રો કર્યો હતો. 19 વર્ષ બાદ કોઈ ભારતીયને વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં મેડલ મળ્યો છે. આ પહેલાં અંજુ બૉબી જ્યોર્જએ મહિલા લૉન્ગ જમ્પમાં વર્ષ 2003માં કાસ્ય પદક જીત્યું હતું.
 
ચૅમ્પિયનશિપમાં ગ્રેનેડાના ઍન્ડર્સન પીટર્સે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે પોતાના અંતિમ થ્રોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 90.54 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.

વિપરીત શરૂઆત

પોતાના પ્રથમ થ્રો સુધી નીરજ ટોચના ત્રણ ખેલાડીઓમાં સામેલ નહોતા થઈ શક્યા.
 
જોકે, ચોથા રાઉન્ડમાં વાપસી કરતાં તેઓ બીજા સ્થાને આવી ગયા હતા. જોકે, ગ્રેનેડાના ઍન્ડર્સન પ્રારંભથી જ પ્રથમ સ્થાને હતા
 
નીરજ પાસેથી ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા સેવાઈ રહી હતી અને નિશ્ચિત રીતે જ તેઓ આ માટે મજબૂત દાવેદાર પણ હતા. જોકે, શરૂઆતના ત્રણ થ્રો બાદ આ અંગેની આશા ધૂંધળી થઈ ગઈ.
 
નીરજે ફાઉલ સાથે શરૂઆત કરી અને 82.39 મીટરના બીજા પ્રયાસ સાથે તેમણે મુકાબલો ચાલુ રાખ્યો. પોતાના ત્રીજા પ્રયાસમાં તેમણે 86.37 મીટરનો થ્રો કર્યો. જોકે, એ વખતે તેઓ ટોચનાં ત્રણ સ્થાનમાંથી બહાર થઈ ગયા હતા.
 
જોકે, ચોથા પ્રયાસ બાદ તેમનો ક્રમ બદલી ગયો અને તેઓ બીજા સ્થાને આવી ગયા. આ સાથે જ ભારત માટે સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો હતો. જોકે, નીરજના પાંચમા અને છઠ્ઠા રાઉન્ડમાં ફાઉલ થતાં તેઓ ગોલ્ડ ચૂકી ગયા.
 
અંજુ બૉબી જ્યોર્જ એક માત્ર ભારતીય છે જેમણે વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ 2003માં કાંસ્યપદક જીત્યું હતું.
 
જો આજે નીરજ ચોપરા ગોલ્ડ જીત્યા હોત તો તેઓ પુરુષ જૅવલિન થ્રોના વિશ્વના એવા ત્રીજા ‍ઍથ્લીટ બની ગયા હોત જેમણે ઑલિમ્પિક ઉપરાંત વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હોય.
 
નોર્વેના ઍન્ડ્રીઆસ થોરકિલ્ડસન (2008-09) અને વર્લ્ડ રૅકોર્ડ સર્જનારા ચેક રિપ્બલિકના જેન ઝેલેન્ઝી ઉપરાંત નીરજ આ યાદીમાં આવી જાત.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો એ સાથે જ દેશભરમાંથી તેમને શુભેચ્છાસંદેશ મળવાં લાગ્યાં.
 
પીએમ નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યાં અને સાથે જ આગામી મુકાબલા માટે શુભકામના પણ વ્યક્ત કરી.
 
તેમણે ટ્વીટ કર્યું, "આપણા સૌથી સન્માનીય ઍથ્લીટોમાંથી એક નીરજ ચોપરાની વધુ એક શાનદાર ઉપલબ્ધિ. . #WorldChampionshipsમાં ઐતિહાસિક રજતપદક જીતવા બદલ નીરજ ચોપરાને શુભકામનાઓ. આ ભારતીય રમતો માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. નીરજને તેના આગામી મુકાબલા માટે શુભેચ્છા.
 
આ અવસરે પાણીપતમાં હાજર તેમનાં માતા સરોજદેવીએ પોતાના પુત્રની સિદ્ધિ અંગે પત્રકારો સાથે વાતચીત કરી.
 
તેમણે કહ્યું, "મા તો ભારે ખુશ છે અને આ માત્ર અમારી જ ખુશી નથી, આ તો સમગ્ર દેશની ખુશી છે. ગોલ્ડ હોય કે સિલ્વર અમારા માટે તો ખુશી એટલી જ છે."
 
સરોજદેવીએ કહ્યું, "અમને એ વાતની ખુશી છે કે તેણે જે આકરી મહેનત કરી, એનું ફળ એને મળ્યું છે. અમે એ વાતને લઈને આશ્વત હતાં કે મેડલ તો એ જીતશે જ. "
 
તેમણે એવું પણ કહ્યું, "બાળક જ્યારે પોતાની લાઇન પર ચાલી નીકળે ત્યારે ખુશી તો થાય જ! વિશ્વનાં દરેક માતાપિતા ઇચ્છશે કે તેમનું બાળક સારા માર્ગ પર આગળ વધે. નીરજે તો મારાં બધાં જ સપનાં પૂરાં કરી દીધાં છે."