સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : બુધવાર, 8 જૂન 2022 (13:29 IST)

રાજકોટના ૧૫ વર્ષીય માધવેન્દ્રસિંહ ઝાલાએ ૪૦ કિ.મી.ની એન્ડયુરન્સ અશ્વ રેસમાં જીત્યો સિલ્વર મેડલ

news of gujarat
અભ્યાસ ઉપરાંત રમતગમત ક્ષેત્રે રાજ્યના યુવાનોમાં છુપાયેલી પ્રતિભાઓ બહાર લાવીને, તેઓને શ્રેષ્ઠતમ તાલીમ આપીને દેશના રમતગમત ક્ષેત્રે ઉત્તમોત્તમ ખેલાડીઓ મળે તે ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. કોરોના સંક્રમણથી રાહત મળતાં રાજ્યસરકારે ફરી એક વાર આ ખેલ પરંપરાને આગળ ધપાવતા 'ખેલમહાકુંભ-૨૦૨૨' નું ભવ્ય આયોજન કર્યું હતું. આ ખેલમહાકુંભ-૨૦૨૨માં રાજકોટનાં ૧૫ વર્ષિય માધવેન્દ્રસિંહ ઝાલાએ ખેલમહાકુંભમાં ૪૦ કિ.મી.ની એન્ડયુરન્સ અશ્વ રેસ જીતીને સિલ્વર મેડલ મેળવ્યો હતો.
 
આ તકે માધવેન્દ્રસિંહે કહ્યું હતું કે, મને પહેલાથી જ રમતગમતમાં રૂચિ છે. મારા પપ્પાએ મને ઘોડેસવારી માટે પ્રોત્સાહન આપ્યું હતું.  ૬-૭ વર્ષની ઉંમરથી જ મને ઘોડેસવારી પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું. ત્યાર બાદ હું પણ ઘોડેસવારી શીખ્યો. મારે મારૂ નામ દેશના શ્રેષ્ઠ અશ્વ સવારોની યાદીમાં લખાવવું છે બસ એ સપનાને ધ્યાનમાં રાખી હું હજુ આ ક્ષેત્રમાં મારૂ પ્રદર્શન વધુ સારૂ બનાવવા આકરી મહેનત કરી હતી.
 
માધવેન્દ્રસિંહ વધુમાં કહે છે કે રમત-ગમતના કારણે વ્યક્તિમાં શારીરિક તંદુરસ્તી, સાહસિકતા, નિર્ભયતા, ટિમ સ્પિરિટ, લીડરશીપ જેવા ગુણો વિકસે છે. ખેલમહાકુંભની દરેક સ્પર્ધામાં હારજીતને નહીં, પણ ખેલદિલીની ભાવનાને મહત્વ આપવામાં આવે છે, એટલે જ ખેલાડીઓના રમતગમત કૌશલ્ય અને આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આ રમતોત્સવ આશીર્વાદરૂપ બન્યો છે. 
 
ગુજરાતમાં ખેલમહાકુંભમાં એન્ડયુરન્સ અશ્વ રેસની ઓપન કેટેગરીમાં રાજ્યભરમાં સૌથી નાની વયનાં ૧૫ વર્ષિય માધવેન્દ્રસિંહ ઝાલાએ બીજા ક્રમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતે કાઠું કાઢ્યું છે. રાજ્યના રમતવીરોને પ્રોત્સાહનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા અને તાલીમ મળી તે માટે રાજ્ય સરકારે શક્તિદૂત યોજના અમલમાં મૂકી છે. જેના માધ્યમથી અનેક ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે પોતાનુ મુકામ બનાવ્યો છે.
gujarat news