ગુજરાતમાં ભાજપનું પેજ સમિતિનું કાર્ય 84 ટકા પૂર્ણ થયું, 60 લાખ કરતાં પણ વધુ સભ્યો પક્ષમાં જોડાયા
13 લાખ પરિવારોનો સંપર્ક કરવાનો લક્ષ્યાંક પુર્ણ થવાના આરે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. બેઠકની શરૂઆતમાં શોક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં ગત કારોબારીથી આજની કારોબારી વચ્ચે અવસાન પામેલ તમામ નેતાઓને શોક પ્રસ્તાવ રજૂ કરી દુઃખની લાગણી વ્યક્ત કરાઈ હતી. ગુજરાતમાં ભાજપનું પેજ સમિતિનું કાર્ય 84 ટકા પૂર્ણ થયું, 60 લાખ કરતાં પણ વધુ સભ્યો પક્ષમાં જોડાયા છે.
પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડાના નિર્ણયને આવકાર્યો
આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વડાપ્રધાન મોદીના પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડાના નિર્ણયને આવકાર્યો હતો. પાટીલે જણાવ્યું કે જ્યારે ભૂતકાળમાં વિશ્વમાં કોઈપણ જગ્યાએ યુદ્ધ થતા હતા ત્યારે જવાહરલાલ નહેરુ એવું કહેતા હતા કે યુદ્ધના લીધે ભાવ વધારો છે. પરંતુ વડાપ્રધાન મોદી એ હાલમાં વિશ્વમાં ભાવ વધારો છે છતાંય પ્રજાના હિતમાં ઘટાડો કર્યો છે.ઉજવલા યોજનાના સિલિન્ડરમાં પણ 200 રૂપિયાની સબસિડી આપી ઘટાડો કર્યો છે.
પાર તાપી પ્રોજેક્ટ રદ કર્યો
તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓના હિતની યોજના માટે પણ વિરોધ પક્ષના લોકોએ અપ્રચાર કર્યો, તેમ છતાં આદિવાસીઓની લાગણી અને માંગણી લઈને ગુજરાત સરકારના મંત્રીઓ નરેશભાઇ પટેલ અને જીતુભાઈ ચૌધરી સહિત નેતાઓએ મુખ્યમંત્રી તથા વડાપ્રધાન સુધી રજૂઆત કરેલ અને મુખ્ય મંત્રીએ પાર તાપી પ્રોજેક્ટ રદ કર્યો છે. વિશ્વમાં ખાતરમાં ભાવ વધારો થયેલ પણ આ ભાવ વધારો ખેડૂતોના માથે ના નાખતા વડાપ્રધાન મોદીએ ખેડૂતો હિતમાં નિર્ણય લીધો અને સબસીડી વધારી ખેડૂતો માથે માર ના પડે તેની કાળજી રાખી છે.
પેજ સમિતિનું કાર્ય 84 ટકા જેટલું પૂર્ણ થયું
પેજ સમિતિનું કાર્ય 84 ટકા જેટલું પૂર્ણ થયું છે. 60 લાખ કરતાં પણ વધુ સભ્યો પરિવાર સહિત પક્ષ સાથે જોડાયા બાકીનું કાર્ય પૂર્ણ કરવા અપીલ કરી છે. વન ડે વન ડીસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં પેજ સમિતિના સભ્યોને બોલાવવા અને તેમને મહત્વ આપવા અપીલ કરી છે. તે ઉપરાંત કાર્યકર્તાઓને મહત્વ આપવા અપીલ કરાઈ છે. સરકારની સાથે સાથે સંગઠન પણ કામગીરી કરીને 13 લાખ પરિવારોનો સંપર્ક કરવાનો લક્ષ્યાંક પુર્ણ થવાના આરે છે.