ગુજરાતના શિક્ષણ મંત્રીની જીભ લપસી, કહ્યું 'ચીન અને રશિયા વચ્ચે યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા'
રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી આજે શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સંમેલનમાં હજાર રહ્યા હતા, જ્યાં ફરી એક વખત તેમની જીભ લપસી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે જ્યારે ચીન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હતું એ સમયે PM મોદીએ રશિયા અને યુક્રેનને 6 કલાક યુદ્ધનો વિરામ કરવા કહ્યું હતું અને યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા.
નોંધનીય છે કે અચાનક શિક્ષણમંત્રીને ભૂલનું ભાન થતાં તેમણે તરત શબ્દો સુધારી ચીનનું યુક્રેન અને ભાજપના ધ્વજની જગ્યાએ ભારતના રાષ્ટ્રનું ઉચ્ચારણ કર્યું હતું.આ ઉપરાંત વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે પહેલાં સરકારી ભરતીમાં લેખિત પરીક્ષાઓ જ નહોતી લેવાતી. સીધો ઇન્ટરવ્યુ લેવાતો અને જેને પસંદ કરવા હોય તેને લઈ લેવામાં આવતા. આજે પણ સચિવાલયમાં તપાસ કરો તો કોંગ્રેસના બાપ-દાદાનાં બેંક એકાઉન્ટ નંબર નીકળશે. પહેલાંની સરકારમાં રૂપિયા લઈને જ સરકારી ભરતીઓ કરવામાં આવતી. અમે હવે લેખિત પરીક્ષા કરીએ છીએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે એઇમ્સ હોસ્પિટલ માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની જ નથી, જેમાં દિલ્હી એઇમ્સમાં જઈએ છીએ ત્યારે આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. એમ રાજકોટમાં પણ એઇમ્સ હોસ્પિટલમાં અન્ય રાજ્યોમાંથી લોકો સારવાર માટે આવશે.તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ચૂંટણી પહેલાં બધું મફત આપવાવાળા લોકો પણ આવશે, ત્યારે લોભામણી જાહેરાતોમાં ફસાવવું નહિ. બાકી 2022ની ચૂંટણીએ 2024માં દિલ્હી જવા માટે વાયા રસ્તો છે. ફરી એક વખત 2024માં PM નરેન્દ્રભાઈ મોદીને દિલ્હીનું સુકાન સોંપવા 2022ની ચૂંટણી જિતાડવા હું આપને અપીલ કરું છું.