ભરૂચમાં બિલ્ડરનો પરિવાર કુળદેવીનાં દર્શને ગયો અને તસ્કરો એક કરોડની કેશ લઈ ફરાર
ભરૂચમાં બિલ્ડર અને તેમનો પરિવાર કુળદેવીના દર્શને ગયો અને તસ્કરોએ ઘરમાં તિજોરીમાં મુકેલા રૂપિયા 1 કરોડ સેરવી જતા ખળભળાટ મચ્યો છે. દેવ દર્શનથી પરત ફરેલા પરિવારે ઘરે પરત ફર્યા બાદ ઘરમાં સમાન વેરવિખેર નજરે પડતા પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન આટલી મોટી રકમની ચોરી સામે આવતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સમગ્ર મામલે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહીત ટેક્નિકલ એક્સપર્ટ્સની મદદ લઈ તસ્કરોની ભાળ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે.
બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી - ડિવિઝન પોલીસ સ્ટેશને 1 કરોડ 3 લાખ રૂપિયાની ચોરીના મામલાનો ગુનો નોંધવામાં આવ્યો છે.ભરૂચના જાણીતા બીલ્ડર ધર્મેશ દિનેશચંદ્ર તાપીયાવાલા પોતાના પરિવાર સાથે ગત તા.12 જૂનના રોજ ઘર બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શને મોઢેરા ખાતે ગયા હતા. પરિવાર અહીંથી અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે ગયો હતો અને તે 14 જૂને વહેલી સવારે ઘરે પરત ફર્યો હતો. પરિવારના સભ્યો પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો મળ્યો હતો. ઘરમાં પ્રવેશવામાં આવતા સમાન વેરવિખેર જણાતાં તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનો સ્પષ્ટ અણસાર મળ્યો હતો. ઘરમાં પ્રવેશ કરવા માટે તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકુચો કોઇ સાધન વડે કાઢી નાખી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટર લોક તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ફરીયાદીના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બેડરુમના લાકડાનો કબાટ ખોલી કબાટમાંથી કુલ રોકડા રુપિયા 1 કરોડ 3 લાખ 96 હજાર 500ની ચોરી કરી કરી ફરાર થઇ ગયા હતા.બિલ્ડરે વેપારના કામે ઘરમાં પાંચસોના દરની 100 નોટના 192 બંડલ તથા પાંચસોના દરની 93 નોટ છૂટી જેની કુલ કિંમ તે રુપિયા 96 લાખ 46 હજાર 500. આ ઉપરાંત બે હજારના દરની 100 નોટના ત્રણ બંડલ જેની કિમંત રુપિયા 6 લાખ અને 200 રુપિયાના દરની 100 નોટના 5 બંડલ જેની કિંમત રુપિયા 1 લાખ સાથે 100 રુપિયાની અને 200 રુપિયાની ચલણી નોટ મળી રુપિયા 50 હજાર મળી કુલ રોકડા રુપિયા 1 કરોડ 3 લખા 96 હજાર 500 ઘરમાં રાખ્યા હતા. જે તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે.