1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Voter List Update

રાજ્યમાં 8.46 લાખ નવા મતદારો ઉમેરાયા, કુલ સંખ્યા 4.48 કરોડને પાર; ગ્રામ પંચાયત યાદીની આખરી પ્રસિદ્ધિ મુલતવી

Gujarat Voter
Gujarat Voter
 
 ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027) અંતર્ગત શુક્રવાર, 27 નવેમ્બર 2026ના રોજ રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવી યાદી મુજબ ગુજરાતમાં કુલ 4,48,77,288 મતદારો નોંધાયા છે

છેલ્લા 10 મહિનામાં 8.46 લાખથી વધુ નવા મતદારોનો ઉમેરો

અગાઉ 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી ફાઈનલ મતદાર યાદીમાં રાજ્યમાં કુલ 4,40,30,725 મતદારો નોંધાયેલા હતા, જેની સરખામણીએ 27 નવેમ્બરની નવી ડ્રાફ્ટ યાદીમાં 8,46,563 (1.92%) મતદારોનો ચોખ્ખો વધારો નોંધાયો છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે નામ ઉમેરવા અને સ્થળાંતર માટેના ફોર્મ-6, 6A અને 8 હેઠળ 12,01,184 અરજીઓ મંજૂર કરાઈ છે, જ્યારે ફોર્મ-7 અને 8 હેઠળ 3,54,621 નામ કમી કરવામાં આવ્યા છે
 

ગ્રામ પંચાયતની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ મોકૂફ રખાઈ

 
બીજી તરફ, ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટાચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગે મહત્વનો નિર્ણય લીધો છે. અગાઉ 29 નવેમ્બર, 2026ના રોજ થનારી ગ્રામ પંચાયતની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિને વહીવટી કારણોસર હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે, જે અંગે આયોગે 26 નવેમ્બરે સત્તાવાર યાદી જાહેર કરી છે.
 

26 ડિસેમ્બર સુધી નામ ઉમેરવા અને સુધારા માટે તક

 
મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ હવે 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધી નાગરિકો માટે હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાનો તબક્કો શરૂ થયો છે. જે નાગરિકોનું નામ યાદીમાં બાકી રહી ગયું હોય, વિગતોમાં કોઈ ભૂલ હોય અથવા સરનામું બદલાવવું હોય, તેઓ આ સમયગાળા દરમિયાન નિયત ફોર્મ ભરીને અરજી કરી શકશે.
 

ત્રણ રવિવારે BLO મતદાન મથકો પર ખાસ હાજર રહેશે

 
નાગરિકોને મતદાર યાદી ચકાસવામાં અને અરજી કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા ત્રણ ખાસ ઝુંબેશ દિવસો (29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર) જાહેર કરવામાં આવ્યા છે. આ ત્રણેય રવિવારે બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી સંબંધિત મતદાન મથકો પર હાજર રહીને નાગરિકોની અરજીઓ સ્વીકારશે

2027માં 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે આગોતરી અરજીની સુવિધા

 
ચૂંટણી પંચે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને મતદાર તરીકે નોંધણી કરાવવા ખાસ અપીલ કરી છે. 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો ઉપરાંત, વર્ષ 2027માં 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા સંભવિત યુવા મતદારો પણ અગાઉથી પોતાનું નામ નોંધાવવા માટે અરજી કરી શકશે.
આગળનો લેખ
Delimitation Bill LIVE: થોડીવારમાં કોંગ્રેસની બેઠક, DMK એ બિલનુ કર્યુ સમર્થન, જાણો દરેક ક્ષણની અપડેટ