ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (11:21 IST)

'મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે'

રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા તા.૫મી જાન્યુઆરીથી શરૂ થયેલી આ મેગા ડ્રાઇવમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીથી એક સંદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે, મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે. 
 
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં બે અઠવાડિયામાં પોલીસ દ્વારા કુલ ૬૨૨ એફ.આઇ.આર દાખલ કરી ૧૦૨૬ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેની સામે ૬૩૫ વ્યાજખોર આરોપીઓ ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તા.૧૬મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં ૧૨૮૮ લોકદરબાર યોજવામાં આવ્યા છે. આ લોકદરબાર થકી આવા તત્વોના ભોગ બનેલા અનેક નાગરિકોને પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અને તેના આધારે પોલીસે વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે.