સુરતમાં બે યુવાનોના આપઘાતથી ચકચાર મચી, એક ગળેફાંસો ખાધો તો બીજો 10માં માળેથી કૂદ્યો
ખાટોદરા અને સારોલી પોલીસે આપઘાતને લઈ વધુ તપાસ હાથ ધરી
રાજ્યમાં યુવાનો દ્વારા આપઘાત કરવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. સુરત શહેરમાં બે યુવાનોના આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના ખટોદરા અને સારોલી વિસ્તારમાં બે યુવાનોના આપઘાતથી ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ બંને ઘટનાઓમાં વધુ તપાસ હાથ ધરી છે.
માતાને વોટ્સએપ મેસેજ કરીને આપઘાત કર્યો
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય હાર્દિક ઝડફીયા નામના યુવકે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આપઘાત પહેલા તેણે પોતાની માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને મેસેજ કર્યો હતો. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. 4 દિવસ પહેલા જ તેનો જન્મદિવસ હતો અને 18 વર્ષ પુરા થયા હતા. તેણે મમ્મી પાસે પૈસા માંગ્યા હતા. મમ્મીએ પૈસા નથી તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ તેણે મમ્મીને સોરી લખીને મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો.
માનસિક બિમાર છું કહીને 10માં માળેથી ઝંપલાવ્યું
બીજી તરફ સુરતના સારોલી ખાતે બીએચએમએસના વિદ્યાર્થીએ દસમાં માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.આશિષ મહેશભાઈ કલસરિયા 5 દિવસ પહેલા સુરત આવ્યો હતો અને સુરતના સારોલી વિસ્તારમાં આવેલા નેચરવેલી હોમ્સ ખાતે સબંધીને ત્યાં રહેતો હતો. તેણે ભટાર સ્થિત કોલેજમાં બીએચએમએસમાં એડમિશન લીધું હતું પરંતુ કોલેજ અને હોસ્ટેલની વ્યવસ્થા થાય ત્યાં સુધી તે સબંધીના ઘરે રહેતો હતો. સારોલી સ્થિત સબંધીના ઘરે 10માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો તેના આપઘાતના પગલે ચકચાર મચી જવા પામી હતી.આશિષે આપઘાત કરતા પહેલા એક લખાણ લખ્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે કોઈના કારણે હું મરતો નથી મારી ઈચ્છાથી મરું છું, હું કોઈના દબાવમાં નથી હું માનસિક બીમારીથી હેરાન છું. સારોલી પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.