સુરતના સવજી ધોળકિયાની માફક અમદાવાદના રમેશ મરંડે 13 કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી
સુરતના ડાયમંડ કિંગ ગણાતાં સવજી ધોળકિયા જેમ તેમના કર્મચારીઓને કાર સહિતની વસ્તુઓ ભેટ આપવા માટે જાણીતા છે ત્યારે અમદાવાદમાં પણ એક ત્રિધ્યા ટેક નામની આઇટી કંપની દ્વારા પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે. કંપનીના એમડી રમેશ મરંડએ જણાવ્યું કે કંપનીને 5 વર્ષ પૂર્ણ થયા છે અને આ પાંચ વર્ષમાં જે પણ કમાયા છીએ તે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે.
13 કર્મચારીઓને વર્ષોથી કંપનીના મિશન પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતીક તરીકે સન્માનિત કર્યા છે. જેના ભાગરૂપે કર્મચારીઓને કાર ગિફ્ટ કરી રહ્યા છીએ. અમે બનાવેલી સંપત્તિ અમારા કર્મચારીઓ સાથે વહેંચવામાં દૃઢપણે વિશ્વાસ રાખીએ છીએ.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ માત્ર શરૂઆત છે. કર્મચારીઓ માટે ભવિષ્યમાં આવી વધુ પહેલ કરીશું. આવી પહેલથી કર્મચારીઓને કંપની માટે સારી કામગીરી કરવાની અને કંપની સાથે જોડાઈ રહેવાની પ્રેરણા મળશે. બીજી તરફ કંપનીની આ પહેલથી કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કંપનીમાં કામ કરતા ધ્રુવ પટેલએ જણાવ્યું કે સામાન્ય રીતે આઇટી કંપનીઓમાં કર્મચારીઓ એક બે વર્ષમાં વધુ પગાર મળે તો જોબ બદલી નાખતા હોય છે. ત્યારે આ કંપનીએ ઉદાહરણ પુરૂ પાડ્યું છે કે કંપની માટે સારું કામ કરવાથી અને એક જ કંપની સાથે જોડાઈ રહેવાથી કામની કદર થાય છે.
અમારા માટે ખૂબ સારો અનુભવ રહ્યો છે.એક તરફ દુનિયાની મોટી મોટી કંપનીઓ કર્મચારીઓને નોકરી માંથી છુટા કરી રહી છે. કોરોના કાળ પછી કર્મચારીઓને નોકરી અને પ્રમોશનનો પણ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે ત્યારે કર્મનિષ્ઠ કર્મચારીએ કંપની ની મૂડી હોય છે અને આ કર્મચારીઓનાં વિશ્વાસ અને કામને પ્રોત્સાહિત કરવાની અમદાવાદની એક ખાનગી કંપનીની અનોખી પહેલ જોવા મળી છે. મહત્વનુ છે સુરતના ડાયમંડ કિંગ ગણાતા ઉધોગપતિ સવજી ધોળકિયા દ્વારા પણ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી હતી ત્યારે અમદાવાદની આ કંપનીના માલિક કર્મચારીઓ માટે કાર ગિફ્ટ આપી અનોખી પહેલ કરી છે.