રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જુલાઈ 2022 (12:37 IST)

દ્વારકા મંદિરના દ્વાર પાસે ભક્તોની મેદનીમાં બે આખલા ઘુસતાં લોકોનો જીવ તાળવે ચોંટ્યા

દ્વારકાના જગતમંદિર નજીક બે આખલાના યુદ્ધે ભારે કરી હતી. દ્વારકાધિશની ધ્વજા ચડાવવા આવેલા ભક્તોના મહેરામણમાં રખડતા આખલાઓએ ઘુસી જતાં દોડધામ મચી ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઇ રહ્યો છે.જગતમંદિરમાં દરરોજ હજારો દર્શનાર્થીઓ આવે છે. ત્યારે રઝળતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જવાથી સ્થાનિકોની સાથે બહારગામથી પધારતા શ્રદ્ધાળુઓ પણ તેમની હડફેટે ચડે છે. રસ્તે રઝળતા રેઢીયાળ પશુઓનો ત્રાસ કેવો છે તેનું વધુ એક દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું.

હાલમાં દ્વારકામાં રબારી સમાજ દ્વારા જગતમંદિરના શિખર ઉપર ધ્વજાજી ચડાવવાના પ્રસંગ સમયે અચાનક બે આખલા લડતા લડતા માર્ગમાં આવી જતાં હાજર લોકોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. જેના પગલે ભક્તોના રંગમાં ભંગ પડ્યો હતો. જો કે સદનસીબે કોઇને ઈજા થવા પામી નહોતી. સમગ્ર ઘટનાને પગલે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવા લોક માંગ ઉભી થવા પામી છે.આ અંગે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે દ્વારકામાં દિન પ્રતિદિન રેઢીયાળ ઢોરનો આતંક વધતો જોતા અને લોકોની અપીલને ધ્યાને લેતા આવા તમામ રેઢિયાળ ઢોરોને પકડી યોગ્ય જગ્યાએ રાખવામાં આવશે, જેથી લોકોને તકલીફ ન પડે. સાથે જ ગૌવંશને ચારો પણ મલી શકે. ઉપરાંત લોકોને પણ ઘાસચારો ઘરની બહાર ન ફેંકવા, તથા ભક્તોને યોગ્ય જગ્યાએ ઘાસચારો નાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.