રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (12:02 IST)

બાળકોને ગોંધી રાખવા બદલ અંતે સ્વામી નિત્યાનંદ સામે ગુનો નોંધાયોઃ આજે કોર્ટમાં સુનાવણી

અમદાવાદના હાથીજણ ખાતેના સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવાના મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણપ્રિયા તેમજ પ્રિયાતત્વા સામે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે. યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સની અરજી કરી છે જેની સુનવણી સોમવારે છે. ગ્રામ્ય એસ.પી.રાજેન્દ્ર અસારીએ પત્રકારોને વાતચીતમાં કહ્યું કે, બાળકોના પિતા જનાર્દન શર્માની ફરિયાદના આધારે બાળકોને ગોંધી રાખવા અંગેનો ગુનો સંચાલકો સામે નોંધાયો છે. જ્યારે યુવતી લાપતા હોવાથી તેની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પણ નોંધાઈ છે. લાપતા યુવતી આશ્રમમાં નહીં હોવાનું સ્પષ્ટ થયું છે. આગામી ત્રણ દિવસમાં તે પોલીસ સમક્ષ હાજર થશે તેવો દાવો કરાયો છે. બેંગલુરુના એક જ પરિવારના ચાર બાળકોને ગોંધી રાખવા માટે શુક્રવાર રાતથી સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ રવિવારે કરણીસેનાએ પણ આશ્રમમાં ભારે હોબાળો મચાવ્યો હતો. સંચાલકોએ તેમને રોકતા તોડફોડ કરી તેઓ અંદર ઘૂસી ગયા હતા અને ત્યાં હાજર 40 જેટલા બાળકોની પૂછપરછ કરી હતી. જો કે, ગુમ થયેલી યુવતી અંગે અગાઉ તે આશ્રમમાં જ હોવાનો દાવો કરવામાં આવ્યો હોવાને પગલે તેની પણ તપાસ કરી હતી. જો કે, યુવતી આશ્રમમાં ન દેખાતા કરણીસેનાના સભ્યોએ આશ્રમમાં બહાર ધરણાં કર્યા હતા. મામલો વધુ તંગ બને નહીં તે માટે પોલીસે મધ્યસ્થી દાખવી મામલો થાળે પાડયો હતો. બપોર પછી આખરે પોલીસે સ્વામી નિત્યાનંદ સહિત આશ્રમની બે સેવિકા સામે બાળકોને બળજબરીપૂર્વક ગોંધી રાખવાના મુદ્દે  ચાઈલ્ડ લેબર એકટ મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે આશ્રમ નજીક વિવેકાનંદનગરમાં આવેલા પુષ્પક રેસીડેન્સીના એક બંગલોમાંથી વધુ ત્રણ યુવતીઓને છોડાવી તેમના નિવેદન નોંધ્યા હતા. રવિવારે કરણી સેનાએ આશ્રમમાં જવા માટે ભારે હંગામો કર્યો હતો. સંચાલકોની પ્રવેશબંધી છતાં તોડફોડ કરીને કરણી સેના અંદર ઘૂસી ગઈ હતી. અંદર તપાસ કરતાં હજુ પણ 40 જેટલા બાળક રહેતા હોવાનો દાવો તેમણે વ્યક્ત કર્યો હતો. જોકે બાળકોએ પોતાની મરજીથી રહેતા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પોલીસે મુક્ત કરાવેલી 3 પૈકીની એક યુવતીએ કહ્યું હતું કે, અમે આશ્રમમાંથી રજા વિના બહાર નીકળી શકતા ન હતા.