ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (11:54 IST)

હવે એક જ સ્ટેડિયમમાં ક્રિકેટ સહિતની રમતો રમાશે

હવે સ્પોર્ટસ એરેના બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ કંપનીએ તૈયારી શરૂ કરી છે. રૈયા સ્માર્ટ સિટી હેઠળ 45 એકર જમીનમાં સ્પોર્ટસ એરેના ઊભું કરવામાં આવશે. જેમાં મલ્ટિપર્પઝ મેદાન બનાવાશે. આ એક જ સ્ટેડિયમમાં ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, ખો-ખો રમી શકાશે. આ ઉપરાંત એશિયાટિક રમત માટે મેદાન, ઇન્ડોર સ્ટેડિયમ, શૂટિંગ રેન્જ, સ્વિમિંગ, વોલીબોલ, હોકી, ટેનિસ, બાસ્કેટ બોલ, હેન્ડ બોલ રમત રમવા માટે મેદાન બનાવવામાં આવશે. આ કામગીરી માટે આગામી માર્ચ માસમાં ટેન્ડર બહાર પડવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે રાજકોટ મહાનગરપાલિકાની 2015માં સ્માર્ટ સિટી હેઠળ પસંદગી કર્યા બાદ મહાનગરપાલિકાએ રૈયા ખાતે 930 એકરમાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની જાહેરાત કરી હતી. આ વિસ્તારમાં અટલ સરોવરનું નિર્માણ કર્યા બાદ અહી અલગ અલગ વિકાસ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને કામ ચાલુ થયા છે. હવે આ વિસ્તારમાં 45 એકર જમીનમાં સ્પોર્ટસ એરેના બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ સિટીના ઇજનેર ભાવેશ જોષીએ જણાવ્યું હતું કે, સ્પોર્ટસ એરેના હેઠળ એક મલ્ટિપર્પઝ મેદાન બનાવવામાં આવશે. જેમાં ક્રિકેટ, ફૂટબોલ, ખો-ખો, કબડ્ડી રમી શકાશે. આ ઉપરાંત વોલીબોલ, યોગા, હોકી, ટેનિસ, બાસ્કેટ બોલ, હેન્ડબોલ, એક્વેટિક્સ સેન્ટર, ઇન્ડોર ગેમ માટે ઇન્ડોર સ્ટેડિયમ, એશિયાટિક રમત માટે મેદાન બનાવવામાં આવશે. આ કામગીરી માટે હાલ ડીપીઆરની કામગીરી ચાલી રહી છે અને આગામી માર્ચ માસમાં ટેન્ડર બહાર પડે તેવી સંભાવના છે. સ્પોર્ટસ એરેનામાં રમતગમતના મેદાનની સાથે સાથે વિશાળ પાર્કિંગ ઊભું કરવામાં આવશે. તેમજ સ્પોર્ટસ બેઝમેન્ટમાં 300 કાર પાર્ક થાય તે પ્રકારે બેઝમેન્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. ક્રિકેટ સ્ટેડિયમમાં 3000થી 3500 પ્રેક્ષકો મેચનો આનંદ લઇ શકે તે પ્રકારે સીટિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. રાજકોટમાં 702 બેડની ક્ષમતાની સ્પોર્ટસ હોસ્ટેલ રાજ્ય સરકાર રેસકોર્સ રિંગરોડ પોલીસ કમિશનર બંગલા પાસે બનાવી રહી છે. ત્યારે રમતગમત ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના યુવાનો આગળ વધે તે માટે મહાનગરપાલિકાએ રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં 250 બેડની ક્ષમતાની સ્પોર્ટસ હોસ્ટેલ બનાવશે.