ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (08:38 IST)

સરકારે કરાવેલા આંતરિક સરવેમાં ભાજપને 70 ટકા જેટલી બેઠકો મળવાનું ચિત્ર રજૂ થયું

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલાં સરકારે કરાવેલા આંતરિક સરવેમાં ભાજપને 70 ટકા જેટલી બેઠકો મળવાનું ચિત્ર રજૂ થયું છે. જોકે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભાજપ માટે પડકારજનક સ્થિતિ હોવાનું પણ જણાવાયું છે. ભાજપ માટે 6 મનપામાં મુશ્કેલી નથી, પરંતુ ગ્રામ્યમાં પડકાર હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે. સૂત્રોએ કહ્યું કે, વર્ષ 2015ની સરખામણીએ આ વખતે ભાજપને સામાજિક પરિબળોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નથી, પરંતુ સ્થાનિક પરિબળો અને પડકારો માટે મહેનત કરવી પડશે. ભાજપ મનપા ઉપરાંત 31 જિલ્લા પંચાયતોમાં પણ ક્લીન સ્વીપનું લક્ષ્યાંક રાખે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધ્યાન નહીં અપાય તો આ લક્ષ્ય પાર પડે તેમ નથી. કેટલીક નગરપાલિકાઓમાં પણ આંતરિક વિખવાદને કારણે ભાજપ માટે વિપરીત પરિણામ આવી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક નેતાઓ દ્વારા પોતાના સગાવહાલાને ટિકિટ આપવા માટે કરાયેલા પ્રયાસને કારણે કાર્યકરોમાં રોષ છે. આમ આદમી પાર્ટીની ગણતરી પ્રત્યક્ષરીતે હરીફ પાર્ટી તરીકે ન થતી હોય પણ ભાજપ તેના ઉપર નજર રાખી રહી છે. શહેરી વિસ્તારોમાં થોડી સંખ્યામાં પણ જો આપ અને અપક્ષો બેઠકો મેળવી લે તો ત્રિશંકુ પરિણામના સંજોમાં તોડ જોડની સ્થિતિ સર્જાઇ શકે છે. તેનાથી વિપરિત ગ્રામ્ય વિસ્તારોમાં આપ, એઆઇએમએમઆઇ જેવી પાર્ટીઓ અને અપક્ષો કોંગ્રેસના વોટ છીનવે તેવી શક્યતા વધારે હોવાથી ભાજપ તેનો ફાયદો મેળવવા એક્શન પ્લાન તૈયાર કરી રહ્યું છે.