રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (13:37 IST)

Surat News - સુરતમાં 2500 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બૂર્સ બિલ્ડીંગ બનશે

સુરતના ખજોદ વિસ્તારમાં બનનારા વિશ્વના સૌથી મોટાસુરત ડાયમંડ બૂર્સનું બાંધકામ લાભપાંચમથી શરૂ થશે. સુરતના આર્થિક વિકાસમાં સૌથી મોટો ફાળો આપતા ડાયમંડ ઉદ્યોગની ડાયમંડ બૂર્સની પહેલ એ સુરતના આર્થિક ભવિષ્ય માટે વધુ એક મોરપિચ્છ સાબિત થશે અથવા સોનામાં સુગંધ ભળવા જેવી વાત થશે. વિશ્વમાં અત્યારે સૌથી  મોટું બિલ્ડીંગ 50 લાખ સ્ક્વેર ફૂટમાં દુબઇમાં છે અને બીજા નંબરનું સૌથી મોટું બિલ્ડીંગ અમેરિકામાં છે પણ સુરતનું ડાયમંડ બૂર્સ 65 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં પથરાશે એટલે સુરત ડાયમંડ બૂર્સ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બૂર્સ બનશે. 

વિશ્વમાં ડાયમંડ કટિંગ એન્ડ પોલીશ્ડ થતા 10 હીરામાંથી 9 હીરા સુરતમાં કટિંગ એન્ડ પોલીશ્ડ  થાય છે પણ રફ  અને પોલીશ્ડ ડાયમંડના ટ્રેડિંગ માટે અત્યાર સુધી  મુંબઇ કે એન્ટવર્પ પર આધાર રાખવો પડતો હતો. સુરતના અગ્રણી ડાયમંડ વેપારીઓએ ત્રણ વર્ષ પહેલાં એક મંચ પર ભેગા થઇને મનોમંથન કર્યું કે સુરત પાસે બધું જ છે તો અહીં જ ડાયમંડ બૂર્સ કેમ ન બનાવીએ? મુંબઇમાં આવેલા ભારત ડાયમંડ બૂર્સમાં સૌથી વધારે ઓફિસ સુરતના હીરાવાળાની જ છે. ડાયમંડના વેપારીઓમાં સમહમતિ સધાઇ અને ત્રણ વર્ષ પહેલાં ખજોદમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ બૂર્સની નીવ નંખાઇ, ડાયમંડ ઉદ્યોગ પોતાની તાકાત પર જ સ્વબળે બૂર્સનું નિર્માણ કરી રહ્યું છે પણ જમીનો અને કેટલીક પ્રોસેસમાં સરકારની મદદ લેવી પડતી હોવાથી ત્રણ વર્ષનો સમય નિકળી ગયો પણ હવે લાભપાંચમથી બૂર્સનું કામ શરૂ થશે. બૂર્સને કારણે સુરતના આર્થિક વિકાસને મોટો ફાયદો થવાનો છે તેનું કારણ એ છે કે વિશ્વભરના બાયરો હવે સીધા સુરતમાં આવતા થશે. 4,250 ઓફિસ બનવાને કારણે 50,000થી વધુ લોકોને રોજગારી મળશે અને 50,000થી વધુ નવા ઘરની આવશ્યકતા ઉભી થશે. દેશ વિદેશથી બાયરો આવવાને કારણે હોટલ ઉદ્યોગ માટે એક નવી તક નિર્માણ પામશે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે. ટૂંકમાં ત્રણ વર્ષ પછી સુરતની સૂરત બદલાઇ જશે એ વાત નકકી છે.