કેન્દ્ર સરકારની ગ્રાન્ટ 1 વર્ષથી પડી છે છતાંય ST નિગમ ઇલેક્ટ્રિક બસો ખરીદતું નથી
કેન્દ્ર સરકાર દ્વારા એસ.ટી.નિગમને ઇલેક્ટ્રીક બસો ખરીદવા માટે આશરે 1 વર્ષથી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાંય નવાઇની વાત એ છેકે આવી પ્રદુષણમુક્ત અને ઇકોફેન્ડલી બસો ખરીદવામાં નિગમને બિલકુલ રસ જ નથી. એસ.ટી.નિગમમાં આશરે 1,700 જેટલી બસો તેનું આયુષ્ય વટાવી ચૂકેલી છે. જે હાલમાં પણ તેના સંભવિત જોખમો સાથે સંચાલનમાં છે. એસ.ટી.માં ડિઝલ અને સીએનજી બસો દોડે છે. જેમાંથી સીએનજી બસો સફળ રહી ન હોવાનું કારણ આગળ કરીને તેને લગભગ દૂર કરી દેવામાં આવી છે કે પછી ફરી પાછી ડિઝલ બસોમાં કન્વર્ટ કરાઇ રહી છે. કેન્દ્ર સરકારના પ્રોત્સાહન, ગ્રાન્ટ અને સબસિડી છતાંય ઇલેક્ટ્રીક બસો દોડાવવા અંગેના કોઇ નક્કર પ્રયાસો આજદીન સુધી હાથ ધરાયા નથી. દેશમાં હિમાચલ સ્ટેટ ટ્રાન્સપોર્ટ, પૂના મ્યુનિ.કોર્પોરેશન, મુંબઇમાં બેસ્ટ બસોમાં, કેરાલા અને છેલ્લે હવે અમદાવાદ મ્યુનિ.ની બસોમાં પણ ઇલેક્ટ્રીક બસો આવી ચૂકી છે. પૂનામાં છેલ્લા 1 વર્ષથી દોઢસો બસો સફળતાપૂર્વક સંચાલનમાં છે. જાહેર પરિવહનમાં તેમજ હવે તો ખાનગી વાહનોમાં પણ ઇલેક્ટ્રીક વાહનો આવી રહ્યા છે. ગુજરાત એસ.ટી.નિગમના ચીફ મિકેનિકલ એન્જિનિયર દ્વારા પણ ઇલેક્ટ્રીક બસો દોડાવવામાં પુરતો રસ દાખવાઇ રહ્યો નથી. જાણવા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર બસ દીઠ 50 લાખ જેટલી સબસિડી આપે છે. તેમ છતાંય ચાર્જેબલ બેટરી જોઇએ, ચાર્જિગ સ્ટેશન નથી સહિતના કારણો આગળ ધરીને આ આખી વાતને સાઇડમાં મુકી દેવામાં આવે છે. એસ.ટી.નિગમમાં પૂનાના ઇલેક્ટ્રીક બસો દોડાવવાના મોડલને આખે આખું ઉપાડીને અમલમાં મૂકવાની એક સમયની વિચારણા પણ આગળ વધી શકી નથી. ઇલેક્ટ્રીક બસો ખરીદવાની વાત દો દુર રહી પરંતુ બીજી તરફ ચાલુ વર્ષમાં વધારાની નવી 650 સુપર એક્સપ્રેસ અને 200 સ્લીપર ડિઝલ બસોની જરૂરિયાત હોવા અંગેની અને તેને તાત્કાલિક બનાવવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મૂકાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં 8 હજાર જેટલી એસ.ટી.બસો દૈનિક સંચાલનમા ં છે. તેમાંથી 1,700 જેટલી બસો ઓવરએજ એટલેકે તેનું આયુષ્ય પુરૂ કરી ચૂકેલી છે. જે હાલમાં પણ મુસાફરોના જીવના જોખમે રોડ પર દોડી રહી છે. નોંધપાત્ર છેકે છેલ્લા 470 વર્કિંગ દિવસના રેકોર્ડબ્રેક સમયમાં નરોડા સેન્ટ્રલ વર્કશોપ દ્વારા ચેસીસ ઉપર બસ બોડી બનાવીને 3,059 નવી ડિઝલ બસો તૈયાર કરીનેં રોડ પર દોડતી પણ કરી દેવામાં આવી છે. એકબાજુ ગ્લોબલ વોર્મિગ સામે પગલા લેવાની વાતો કરાઇ રહી છે. સરકાર તે માટે બજેટમાં ગ્રાન્ટ ફાળવે છે. પ્રદુષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રીક વાહનોના વધુને વધુ વપરાશ માટે સરકાર ઝૂંબેશો ચલાશે ત્યારે નવાઇના વાત એ છેકે સરકારનું નિગમ જ ઇલેક્ટ્ીકને બદલે ડિઝલ બસો દોડાવવામાં વધુ રસ દાખવી રહ્યું છે. 3059 બસો ડિઝલ બસો દોડતી કરી 7 થી 10 વર્ષ સુધી આ બસો પ્રદૂષણ કરશે. ગાંધીનગરમાં બેઠેલા સત્તાધિશોએ તાત્કાલિક અસરથી ડિઝલ બસો ખરીદવાનું બંધ કરી દેવું જોઇએ.