સોમનાથ મંદિરની સુરક્ષા હવે મરીન ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી
તાજેતરમાં એવા અહેવાલ હતાં કે આર્ટીકલ 370 હટાવ્યા બાદ ભારતમાં દરિયાઈ માર્ગે ત્રાસવાદી હૂમલાની દહેશત છે. ત્યારે દેશની સાથે સાથે ગુજરાતની દરિયાઈ સીમા પર પણ સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હજી પણ આ પ્રકારના રીપોર્ટ્સ મળતાં રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરની સુરક્ષાને ધ્યાને લઈને મરીન કમાન્ડો દરિયાઈ સીમા પર ગોઠવી દેવામાં આવ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતનાં 1600 કી.મી.લાંબા દરિયાકાંઠાની સુરક્ષાને લઈ સરકાર તરફથી તમામ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. આ માટે સમુદ્ર માર્ગે સંભવિત હુમલાના ખતરાને પહોંચી વળવા મરીન ટાસ્ક ફોર્સનાં તાલિમબંધ જવાનો બાજ નજર રાખી રહ્યા છે. ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા અને દરિયાઈ સરહદ ઉપર આવેલા સોમનાથ મહાદેવ મંદિર માટે ખાસ મરીન ટાસ્ક ફોર્સના જવાનોની ટુકડી ફાળવવામાં આવી છે. જેથી સમુદ્ર માર્ગે આવનાર સંભવિત ખતરા સામે પહોંચી શકાય.
મરીન ટાસ્ક ફોર્સની ટુકડીમાં 1 ડીવાયએસપી, 1 પી.આઈ, 4 પી.એસ.આઈ., સહિત 25 જેટલા જવાનો રાઉન્ડ ધી કલોક સોમનાથ મંદિરની સુરક્ષા માટે મહત્વના પોઈન્ટ્સ પર બાજ નજર રાખી રહ્યા છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં એક નવો ઉમેરો થયો છે. જેમાં રેન્જ આઈ.જી અને એ.ટી.એસ.વડાની સીધી દેખરેખ હેઠળ આ ફોર્સ કમાન્ડો કક્ષાનું છે. ભૌગોલિક રીતે સોમનાથ મંદિર દરિયાઈ સરહદ જેવા જ તટે આવેલુ હોય તેમજ 370મી કલમ હટાવ્યા બાદ સમુદ્ર માર્ગે સંભવિત આવનાર ખતરા અને પડકારોનો સામનો કરવા રાખવી જોઈએ. જેથી તમામ સુસજ્જતા સાથે ફુટ પેટ્રોલીંગ, રીફ્રેસર કોર્સ તેમજ નેવીની આકરી તાલિમબધ્ધતા પામેલ જવાનો સોમનાથ મંદિરની સુરક્ષામાં રાષ્ટ્રીય યોગદાન આપી રહ્યા છે.