ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે કોરોનાના 25 નવા કેસ
જાન્યુઆરીમાં કોવિડની ત્રીજી લહેર બાદ, શુક્રવારના રોજ ગાંધીનગર ખાતેની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ)માં કોરોનાના 25 નવા કેસ નોંધ્યા હતા.તાજેતરમાં આ શૈક્ષણિક કેમ્પસમાં આટલી મોટી સંખ્યામાં કોવિડ કેસની આ પ્રથમ ઘટના છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ શુક્રવારે કેમ્પસની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને ઓફલાઇન શિક્ષણ બંધ કરવાની સૂચના આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને પણ તેમના હોસ્ટેલ રૂમમાંથી બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું હતું.આંકડાને પરિપ્રેક્ષ્યમાં, ગુજરાતમાં આઠ નવા કોવિડ કેસ નોંધાયા અને ગુરુવારના રોજ રાજ્યમાં કુલ સક્રિય કેસ 73 હતા. રાજ્યમાં શુક્રવારના રોજ 20 કેસ નોંધાય હતા જેથી સક્રિય કેસનો કુલ આંક 86 સુધી પહોંચ્યો હતો.જ્યારે અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાં કોવિડના કેસ નોંધાયા નથી, ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે તબક્કાવાર રીતે કેમ્પસમાં એક ડ્રાઈવ શરૂ કરવામાં આવશે.
જીએનએલયુના સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ફ્રેશર્સ વીકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે કોવિડના પ્રથમ કેસની જાણ થતાંની સાથે જ ઉજવણી સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત સોમવારથી, તમામ વર્ગો ફરીથી ઓનલાઈન લેવામાં આવશે. જોકે પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી કોઈને પણ ગંભીર લક્ષણો નથી તેમજ તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પણ નથી. બધા પોઝિટિવ વિદ્યાર્થીઓને અલગ રાખવામાં આવ્યા છે અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.