સિહોર તાલુકાનાં નેસડા ખાતે રોયલ્ટી વિનાના ૪ ડમ્પર જપ્ત કરાયાં, ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત
ખનીજ સંપત્તિનાં ગેરકાયદેસર કારોબાર સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકામાં નેસડા ખાતે રોયલ્ટી વિનાનાં ચાર ડમ્પરને ભાવનગર કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝડપી પાડવામાં આવ્યાં છે.
પ્રાંત અધિકારી સિહોર, મામલતદાર સિહોર અને ખાણ-ખનીજ વિભાગની બનેલી સ્થાનિક અધિકારીઓની ટીમ દ્વારા સંયુક્ત રેડ પાડી ૧૦૦ ટન રેતીનો ૪૦ લાખનો મુદ્દામાલ રાધે રોલીંગ મીલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
જિલ્લામાં ખનીજ માફીયા દ્વારા બંધ પડેલી આ મીલમાં ગેરકાયદેસર રીતે રેતીનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવતું હોવાની જાણકારી મળતાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ૪ ડમ્પર જપ્ત કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં ખનીજ ચોરીને રોકવા અને ખનીજ ચોરોનાં દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ જિલ્લા વહિવટી તંત્ર ખનીજ ચોરી કરતાં ખનીજ ચોરોને નશ્યત કરવાં માટે કટિબધ્ધ છે.