ઉનામાં પેટ્રોલ લેવા લોકોની પડાપડી થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગુજરાતમાં વાવાઝોડું દિવથી પ્રવેશ કર્યા બાદ ઉનામાં ત્રાટક્યું હતું. વાવાઝોડામાં ઉનામાં પેટ્રોલપંપને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. હાલ પરિસ્થિતિ સામાન્ય થતા ઉનાના નગરજનો પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. શહેરમાં હાલ 10 પેટ્રોલ પંપ પૈકી માત્ર એક પંપ ચાલુ છે. માટે લોકો 3થી 4 કલાક લાઈનમાં ઉભા રહીને પેટ્રોલ પુરાવા માટે એકઠા થયા હતા. ટોળાનો વ્યાપ વધતા તેને વિખેરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 10માંથી 9 પેટ્રોલ પંપ બંધ હોવાને કારણે આ પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ ખૂટી જશે એ ડરને કારણે શહેરીજનો વાહનો અને બોટલો લઈને લાઈનમાં ઉભા રહી ગયા હતા. જાણે કોરોના નાબૂદ થઈ ગયો હોય તેમ લોકોની ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું હોય તેમ ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે ઉનામાં સૌથી વધારે નુકસાની પહોંચી છે. મોબાઇલ ટાવર ધરાશાયી થતાં ઉના સંપર્કવિહોણું બન્યું હતું. આથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવી મુશ્કેલ બની હતી. ઉનામાં જનજીવન ખોરવાયું હોવાનું જાણવા મળ્યું છે. ઉના પહોંચવા માટે એકપણ રસ્તો ખુલ્લો નહોતો. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં છે. ભારે વરસાદને કારણે કાચા રસ્તાઓ અને સિંગલ પટ્ટીના રોડ પણ ધોવાઈ ગયા છે, આથી મોટું નુકસાન પહોંચ્યું છે.