હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે. ગુજરાતના હવામાનની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે. વરસાદના આંકડા મુજબ વાપીમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે સુરતમાં સવારથી છુટાછવાયા વરસાદથી લોકોને રાહત મળી છે. જાહેર થયેલા વરસાદના આંકડા મુજબ બે કલાકમાં વાપીમાં બે ઈંચ, વલસાડના પારડીમાં એક ઈંચ અને કપરાડામાં 23 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે, આ વર્ષ ચોમાસું સારું રહેશે. આવતીકાલે 22મી તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22 જૂનથી જૂલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આથી તેમણે ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે. ગયા વર્ષે વાવાઝોડાની અસરને પગલે ગત વર્ષે ચોમાસું સારું રહ્યું હતું. આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે.
તો આ તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આજથી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગના અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થઇ સહ્કે છે. આ સાથે જ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં પન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠા બાદ કરતાં તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં મેઘો મહેર કરી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. તાલુકાભરમાં વાવણી લાયક વરસાદ પડવાથી ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે. જુનાગઢના વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
સુરત શહેરમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા. વરસાદના કારણે સુરત શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ભેજ સામે ઝઝૂમી રહેલા સુરતવાસીઓને વરસાદથી રાહત મળી છે. વરસાદના કારણે વહેલી સવારે કામ પર જતા લોકો તેમજ શાળાએ જતા બાળકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સુરત શહેરમાં સતત વરસાદના કારણે વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની ગયું છે. દિવસ દરમિયાન પણ કાળા વાદળો સાથે આકાશ રાત્રિ જેવું અંધારું રહે છે. સુરત શહેરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 36 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદના આંકડાની વાત કરીએ તો મધ્ય ઝોનમાં 14 મિમી, પશ્ચિમ ઝોનમાં 3 મિમી, ઉત્તર ઝોનમાં 11 મિમી, પૂર્વ ઝોન (એ)માં 34 મિમી, પૂર્વ ઝોન (બી)માં 18 મિમી, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 15 મિમી વરસાદ નોંધાયો છે. નોંધાયેલ છે. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ તાપી નદીમાં નવા પાણી આવ્યા છે. સાથે સાથે કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે. સોમવારે કોઝવેની સપાટી 5.33 મીટર નોંધાઈ હતી. કોઝવે પર પાણીની સપાટી હાલમાં 5.49 મીટરે વહી રહી છે. વેર લેસ કોઝવેના ઉપરવાસ અને તાપી નદીના ઉપરવાસમાં વરસાદને કારણે કોઝવેની સપાટી વધી છે. છેલ્લા એક દિવસમાં કોઝવેની સપાટી 5 મીટરથી વધીને 5.49 મીટર થઈ છે. ઉલ્લેખનીય છે કે, કોઝવેની જોખમી સપાટી 6 મીટર છે. જો આગાહી મુજબ વરસાદ ચાલુ રહેશે, તો કોઝવે ઓવરફ્લો થશે તો તેને રોકવાની ફરજ પડશે. વરસાદી માહોલ વચ્ચે કોઝવે પર અદ્ભુત નજારો જોવા મળે છે. ઉનાળાની ગરમીના કારણે સુકાઈ ગયેલી તાપી નદી પણ નવા પાણીથી વહેવા લાગી છે.