ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 25.60% વરસાદ
ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ ધમાકેદાર શરૃઆત કરી છે અને અત્યારસુધીની સિઝનમાં સરેરાશ ૮.૩૭ ઈંચ સાથે મોસમનો ૨૫.૬૦% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રસપ્રદ રીતે ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો સૌથી વધુ ૫૧.૩૯% વરસાદ કચ્છમાં પડયો છે. ગુજરાતમાં જૂન માસમાં ૪.૮૧ ઈંચ જ્યારે જુલાઇમાં અત્યારસુધી ૩.૫૬ ઈંચ સરેરાશ વરસાદ પડયો છે. રાજ્યમાં હાલ સહેજપણ વરસાદ ના પડયો હોય તેવો એકપણ તાલુકો નથી. ૧૨ તાલુકામાં ૧.૧૯ ઈંચ સુધી, ૬૫ તાલુકામાં ૨થી ૪.૯૨ ઈંચ સુધી, ૧૦૪ તાલુકામાં ૪.૯૬ ઈંચથી ૯.૮૪ ઈંચ, ૫૪ તાલુકામાં ૯.૮૮ ઈંચથી ૧૯.૬૮ ઈંચ, ૧૫ તાલુકામાં ૧૯.૭૨થી ૩૯.૩૭ ઈંચ જ્યારે ૧ તાલુકામાં ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ પડયો છે. રાજ્યમાં અત્યારસુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૩૯.૭૬ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી ૬.૪૯ ઈંચ વરસાદ પડયો છે, જેમાં અમદાવાદ શહેરમાં ૮.૯૩ વરસાદ નોંધાયેલો છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત વરસાદમાં અગ્રેસર હોય છે. પરંતુ આ વખતે અત્યારસુધીની પરિસ્થિતિ તદ્દન અલગ છે. જેની ગણના વરસાદને મામલે રાજ્યના કોરાધાકોર જિલ્લામાં થાય છે તે કચ્છમાં ૫૧.૩૯% અને સૌરાષ્ટ્રમાં ૪૯.૭૧% વરસાદ પડયો છે.