ગુજરાતમાં 24 તાલુકામાં વરસાદ નોંધાયો, કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર
રાજ્યમાં વરસાદે 4 દિવસ વિરામ લીધા બાદ રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 4.1 ઇંચ વરસાદ માત્ર બે કલાકમાં ખાબક્યો છે. રવિવારે રાજ્યના 16 જિલ્લાના 68 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 6.7 ઇંચ અને કચ્છના માંડવીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. હવમાન વિભાગે આગાહી કરી છેકે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. સામાન્ય રીતે કચ્છમાં સત્તાવાર ચોમાસું કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી શરૂ થયા છે. પરંતુ છેલ્લા બે દિવસથી કચ્છ જિલ્લામાં મેઘો ઓળઘોળ થયો હોય તેવો માહોલ સર્જાયો છે. ગઇ કાલે કચ્છના માંડવીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ બે કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સવારે 6થી 8 વાગ્યા સુધીમાં માંડવીમાં 4.1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આમ છેલ્લા 26 કલાકમાં માંડવીમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે દરિયાકાંઠે વસેલા માંડવી શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. કચ્છ જિલ્લના અનેક વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી છે. આજે સવારે કચ્છના અબડાસા, મુંદ્રા, ગાંધીધામ, નખત્રાણામાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાવણી લાયક વરસાદના પગલે જગતનો તાત ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો.