શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 જુલાઈ 2020 (18:46 IST)

જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું, 10 ઈંચ વરસાદ ખાબક્યો

કચ્છ- સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા બાદ જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું હતું. કાલાવડમાં સોમવારે સાંજે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી બે કલાક ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગરના કાલાવડમાં સવાર 6થી સાંજના ચાર વાગ્યા સુધી 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે રવિવારે ખંભાળિયામાં રવિવારે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

ખંભાળિયામાં બે કલાકમાં જ 12 ઇંચ પાણી વરસતા શહેરમાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. 8 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. દેવભૂમિદ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ થયો છે.આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજકોટના પડધરીમાં 113 mm, રાજકોટ શહેરમાં 104 mm, જામનગરના ધ્રોલમાં 97 mm, કચ્છના ભચાઉમાં 83, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 79 mm, જામનગરના તાલપુરમાં 70 mm, જામનગર શહેરમાં 69 mm વરસાદ નોંધાયો હતો.તેમજ અમરેલીના જાફરાબાદમાં 65 mm, મોરબીના ટંકારામાં 64 mm, ગીરસોમના શહેરમાં 61 mm, જામનગરના જોડિયામાં 57 mm, રાજકોટના જામકંડોરના 50 mm, રાજકોટના લોધિકામાં 50 mm વરસાદ સવારે છ વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધીમાં નોંધાયો હતો.

આ ઉપરાંત આજે સોમવારે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સૌથી ઓછો વરસાદ ભાવનગરમાં 1 mm, બોટાદના બરવાળામાં 1 mm, છોટા ઉદેપરના સંખેડામાં 1 mm, ડાંગના સુબરી 1 mm, કચ્છના માંડવીમાં 1 mm અને પંચમહાના કાલોલમાં 1 mm વરસાદ નોંધાયો હતો.જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સાત ડેમ ઓવરફ્લો થયા હતા. જિલ્લાના વોડીસંગ, ફુલઝર-1, વાગડીયા, સોરઠી ડેમ ભારાય હતા. જ્યારે ઉંડ-1, ઉંડ-3 અને આજી-3 પણ ઓવરફ્લો થયો હતો. સાથે સાથે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં 2 દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 6થી 8 જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહશે. વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહીતમાં વધુ અસર જોવા મળશે. દમણ દાદરા નગર હવેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે 3 દિવસ સુધી રાજ્યમાં અસર રહેશે. અમદાવાદમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસમાં ગુજરાત ને ખુબ જ સારો વરસાદ મળશે. 3 દિવસ સુધી માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આવી છે. આ વરસાદથી ખેડૂતોને સારી રાહત મળશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 ટકા વરસાદ વરસ્યો છે.