વાવાઝોડાના કારણે કોવિડના દર્દીઓને રેમડેસીવીર કે ઓક્સિજનનો પુરવઠો ન ખોરવાય તે માટે આગોતરી વ્યવસ્થા કરાઈ
હાલની કોવિડની ગંભીર પરિસ્થિતિમાં તૌકતે વાવાઝોડાના કારણે કોવિઘ્ન દર્દીઓને કોઈ મુશ્કેલી ન નડે એ માટે રાજ્યનું આરોગ્ય તંત્ર સજ્જ હોવાનું આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.
તેમને ઉમેર્યું કે આગામી 48 કલાક માટે તમામ કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો મળી રહે એ માટે પૂરતા પાવર બેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે.
આરોગ્ય અગ્રસચિવે જણાવ્યું કે આરોગ્યને લાગતી ગંભીર જરૂરિયાતને પહોંચી વળવા રાજ્યમાં આરોગ્યની 744 ટીમ, 160 આઇસીયુ ઓન વ્હીલ્સ તેમજ 607 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જેમાંથી રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ સહિતના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 108 તૈનાત કરવામાં આવી છે.
હાલ રસીકરણની કામગીરીના પગલે આરોગ્ય તંત્ર દ્વારા રેમડેસીવીર તથા વેકસીનના પૂરતા ડોઝ અગાઉથી જ સ્ટોક કરીને જે-તે જિલ્લાને મોકલી આપવામાં આવ્યા છે તેમજ તેના માટે પણ પાવર બેકઅપની જોગવાઈ કરવામાં આવી હોવાનું ડૉ. જયંતી રવિએ ઉમેર્યું હતું.