તાઉ’તે વાવાઝોડાની અંતિમ તૈયારી સંદર્ભે યોજી સમીક્ષા બેઠક, જાણો કેવી છે તૈયારીઓ
ગુજરાતમાં તાઉતે વાવાઝોડાના કારણે દરિયા કિનારાના પ્રભાવિત જિલ્લામાં ઓછામાં ઓછું જાન-માલનું નુકસાન થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ સંદર્ભે ગાંધીનગરથી આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ જિલ્લાઓમાં નિયુક્ત મંત્રીઓ અને પ્રભારી સચિવોએ સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની સાથે રહીને કરેલી કામગીરીની વ્યક્તિગત ટેલિફોનિક ચર્ચા કરીને પરિસ્થિતિ અને તૈયારીનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર વાવાઝોડા સામે ઝીરો કેઝ્યુઅલટીના સંકલ્પ સાથે દિવસ- રાત કામ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સતત તમામ જરૂરી મદદ કરવામાં આવી રહી છે. વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં બચાવ કામગીરી બાબતે કોઇપણ ખામી રહી ન જાય તે માટે રાજ્યના મંત્રીઓને જવાબદારી સોપાઇ છે. જે સ્થળ ઉપર રહીને વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો સાથે સંકલન કરીને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સતત કાર્યરત છે.
મુખ્યમંત્રીએ આજે ગાંધીનગરથી તાઉતે વાવાઝોડાની તૈયારી બાબતે ગીર સોમનાથમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, પોરબંદરમાં મંત્રી જયેશભાઇ રાદડિયા, જૂનાગઢમાં મંત્રી જવાહરભાઇ ચાવડા, કચ્છમાં મંત્રી દિલીપકુમાર ઠાકોર અને મંત્રી વાસણભાઇ આહિર, દેવભૂમિ દ્વારકામાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમરેલીમાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ભાવનગરમાં મંત્રી ગણપતભાઇ વસાવા અને મંત્રી વિભાવરીબેન દવે જ્યારે રાજકોટમાં મંત્રી સૌરભ પટેલ, મોરબીમાં મંત્રી યોગેશભાઇ પટેલ, જામનગર મંત્રી આર. સી. ફળદુ, સુરતમાં મંત્રી કુમારભાઇ કાનાણી, વલસાડમાં મંત્રી રમણભાઇ પાટકર, નવસારીમાં મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને ભરૂચમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.