બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 મે 2019 (13:08 IST)

ગુજરાતના ખેડૂતો પર પેપ્સીકો કંપનીએ બટાકાના કોપીરાઈટ મુદ્દે કરેલા કેસ પાછા ખેંચ્યા

પેપ્સીકો ઇન્ડિયા કંપની દ્વારા આખરે FC5 બટાકાની કોપીરાઈટને મામલે રાજ્યના 11 ખેડૂતો સામે કરવામાં આવેલા કેસ પરત ખેંચાયા છે.આ સાથે જ ખેડૂતો સામે પેપ્સીકો તરફથી કરવામાં આવેલો 1 કરોડ રૂપિયાનો દાવો પણ પેપ્સીકોએ બિનશરતી રીતે પરત ખેંચતા કુલ 8 કેસોનો ખેડૂતોના હક્કમાં અંત આવ્યો છે. આ 8 કેસોમાં 1 ડીસામાં, 3 મોડાસામાં અને અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કરાયેલા 4 કેસોનો સમાવેશ થાય છે.

પેપ્સીકો કંપની તરફથી અમદાવાદની કોમર્શીયલ કોર્ટમાં અરજી કરીને ઉલ્લેખ કરાયો હતો કે FC5 બટાકાના બીજનું વાવેતર અને વેચાણ માત્ર પેપ્સીકોએ જ આપેલા આધિકારવાળા ખેડૂતો કરી શકે છે અને અન્ય કોઈ કરે તો તે કોપીરાઈટનો ભંગ કહેવાય પરંતુ પેપ્સીકો દ્વારા કરાયેલા કેસ સામે રાજ્યભરના ખેડૂતો અને વિવિધ સંગઠનોનો આક્રોશ તેમજ સરકારનો પણ ખેડૂતો તરફી વલણ જોઇને આખરે પેપ્સીકો કંપનીએ તમામ ખેડૂતો સામે કરેલો કેસ પરત લેવાનો નિર્ણય કર્યો છે. પેપ્સીકોએ ખેડૂતોને દબાવવાનો જે આ પ્રયત્ન કર્યો તેની સામે પેપ્સીકોને તેની ભૂલ સમજાઈ છે. પેપ્સીકોએ બિનશરતી દાવા પાછા ખેંચ્યા પણ ખેડૂતો તેમને સરળતાથી છોડશે નહીં. આ સાથે જ ખેડૂતોને કરાયેલી હેરાનગતિ અને માનહાની માટે પેપ્સીકો કંપની ખેડૂતોની માફી માગી તેવી માગ આનંદ યાજ્ઞીકે ખેડૂતો વતી કરી હતી. 

ભવિષ્યમાં ફરી કોઈ કંપની આ રીતે દેશમાં ખેતી પર નિર્ભર અને જગતના તાત સામે ફરીવાર આ રીતે કોપીરાઈટનો દાવો ના કરે તે માટે અત્યારથી જ સાવચેતીના પગલારૂપે કિસાન સંઘ અને વિવિધ સંગઠનો તકેદારી રાખવામાં આવશે સાથે જ જે ખેડૂતો સામે કેસ કરવામાં આવ્યા હતા તે ખેડૂતોએ પેપ્સીકો પાસેથી 1 રૂપિયાના વળતર સાથે જ સમગ્ર ખેડૂત સમાજની માફી માગવામાં આવે તેવી માગ પણ કરી છે. તેમજ જો ખેડૂતોથી જો કંપની માફી નહીં માગે તો ખેડૂતોને બદનામ કરવા બદલ, ચોર કહેવામાં આવ્યું, પરવાનગી વગર તેમના ખેતરમાં પ્રવેશવા બદલ પેપ્સીકો વિરુદ્ધ ખેડૂતો લીગલ નોટીસ પણ મોકલશે.