આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ થઈ, 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટીની મોકૂફ રખાયેલી પરીક્ષાઓ આજથી ઓફલાઈન લેવાશે. જેમાં અલગ અલગ કોર્સના 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે ઓફલાઈન પરીક્ષા આપશે. આજે સવારે 9 વાગ્યાથી પરીક્ષા લેવાની શરૂ કરવામાં આવી છે. કોરોનાને કારણે આ પરીક્ષાઓ 6 મહિના કરતા વધુ સમય મોડી યોજાઈ રહી છે. B.COM, BBA, BSC, B.ED, B.A, BCA અને LLMની પરીક્ષા ઓફ્લાઈન યોજાશે. અગાઉ માર્ચ મહિનામાંઆ પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં પરીક્ષા ચાલુ થયા બાદ કોરોનની બીજી લહેર શરૂ થતાં પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે ફરીથી ઓફ્લાઈન શરૂ થઈ છે.
અગાઉ ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. અગાઉ ઓનલાઈન પરીક્ષાની પસંદગી અને કેટલાક પેપરો આપી ચુકેલા 200થી વધુ વિદ્યાર્થી પણ પરીક્ષા આપશે. આ ઉપરાંત LLM સેમ.2ની પરીક્ષાઓ અને DLPની પણ ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. યુજીની આ ઓફલાઈન પરીક્ષાઓમાં 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. આ પરીક્ષા રોજ સવારે 9થી11 અને બપોરે 12થી 2 એમ બે સેશનમાં લેવાશે.કોરોનાની બીજી લહેર બાદ સરકારની મંજૂરીથી આ પ્રથમવારની ઓફલાઈન પરીક્ષાઓ થઈ રહી છે. યુનિ.દ્વારા ઓનલાઈન પરીક્ષાના વિદ્યાર્થીઓને પણ બાકી પેપરો માટે ઓફલાઈન પરીક્ષાની તક આપી છે.જેથી અગાઉ ઓનલાઈન પરીક્ષા પસંદ કરનારા અને પરીક્ષા ન આપી ચુકેલા 200થી વધુ વિદ્યાર્થીઓએ છેલ્લી ઘડીએ ઓફલાઈન પરીક્ષા માટે યુનિ.ને અરજી કરતા પરીક્ષા રીસિપ્ટ મેળવી છે.