ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (19:30 IST)

અમદાવાદમાં લોકોનું ભલુ કરવા નાગા બાવા બનીને આશિર્વાદ આપી દાગીના અને રોકડ લૂંટતી ગેંગ ઝડપાઈ

અમદાવાદમાં બાવાઓનો વેશ ધારણ કરીને રસ્તા પર લોકોને આશિર્વાદ આપવાના બહાને સોનાના દાગીના અને રોકડા રૂપિયા નજર ચૂકવીને લૂંટી લેતા લોકોની ગેંગ ઝડપાઈ છે. વાસણા પોલીસે નકલી નાગા બાવાઓને ઝડપીને તપાસ હાથ ધરી છે. જેમાં અનેક ગુનાઓ ઉકેલાય તેવી શક્યતાઓ છે. પોલીસે આરોપીઓ પાસેથી વધુ વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં વાસણા ખાતે રહેતા 69 વર્ષના શંકરભાઈ નાગર પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન જીવે છે. તેઓ તેમના હાથમાં એક ગુરુ ગ્રહના નંગ વાળી સોનાની વીંટી પહેરતા હતા. 21મી મે ના રોજ સવારે તેઓ તેમના ઘરેથી નીકળી નારાયણ નગર રોડ ઉપર આવેલા લક્ષ્મીનારાયણના મંદિરે દર્શન કરીને ઘરે પરત ચાલતા આવતા હતા. તે વખતે રસ્તામાં એક કાર ચાલકે ગાડી તેમની નજીકમાં લાવીને  ઊભી રાખી હતી. ડ્રાઇવરની સીટની બાજુમાં બેઠેલા શખશે તેઓને પૂછ્યું કે કાકા મહાદેવનું મંદિર ક્યાં આવ્યું? પાછળની સીટમાં બેઠેલા નાગા બાવાને ચલમ પીવી છે. પાછળ બેઠેલા નાગાબાવા ના દર્શન કરો તમારું કલ્યાણ થઈ જશે.  ગાડીમાં પાછળની સીટ ઉપર બે શખ્સો બેઠા હતા. જેમાંથી એક શખ્સે ગાડીનો કાચ ખોલી કાકા નજીક આવો એવું કહીને પાછળની સીટમાં બેઠેલા બીજો શખ્સ કે જેણે ભગવા કપડા પહેર્યા હતા. તેણે આ વૃદ્ધને આશીર્વાદ આપ્યા અને શંકરભાઈને તેમના હાથમાં એક રુદ્રાક્ષનો મોતી અને સિંદૂર આપી કપાળ પર તિલક કર્યું હતું અને જણાવ્યું કે તમારા હાથમાં પહેરેલી સોનાની વીંટી મને આપો હું તમને ફૂંક મારીને પાછી આપું છું. એમ કહીને વીંટી લઈને બાદમાં આ શખ્સો ફરાર થઈ ગયા હતા.

વાસણા પોલીસે આ ગેંગ ઝડપી પાડવા પ્રયાસ કરતા નકલી નાગા બાવા બની ફરતા સાગર નાથ મદારી, સાહેબનાથ મદારી, રાજુનાથ ભાટી અને વિજય નાથ ગોસાઈની ધરપકડ કરી છે. આ તમામ લોકો દહેગામ અને મહેમદાવાદના રહેવાસી છે. આરોપીઓ કેસરી ખેસ નાખી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગાડીમાં નીકળતા હતા. મંદિરની આસપાસ કોઈ દાગીના પહેરીને મંદિર આવતા ધાર્મિક વૃત્તિ વાળા વ્યક્તિને રોકી મંદિરનું સરનામું પૂછતાં અને બાદમાં ગાડીમાં પાછળ નાગા બાવા બેઠા છે દર્શન કરી આશીર્વાદ લો કહીને નાગા બાવા બનીને બેઠેલો શખ્સ ધબ્બો મારી આશીર્વાદ આપતો હતો.  આ દરમિયાન લોકોના દાગીના કઢાવી ફૂંક મારી પરત આપવાનું કહી દાગીના પડાવી ગેંગના આ સભ્યો ફરાર થઈ જતા. પોલીસ એ વાત સમજવા માંગતી હતી કે આરોપીઓ કોઈ વશીકરણ કરે છે કે અન્ય કોઈ રીતથી લોકોને લૂંટે છે તે માટે ડેમો કરાવ્યો હતો. જેમાં પોલીસે તેઓને ગાડી લઈને અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યા હતા. આબેહૂબ નાગા બાવા બનીને લોકોને છેતરતા અને લોકો ધાર્મિક માણસ હોવાનું માની બાવાઓને 200થી લઈ બે ત્રણ ચાર હજાર રૂપિયા પણ આપી દેતા હતા. આવા નકલી બાવાઓની અંધશ્રદ્ધામાં આવી જતા લોકો જાણ્યા સમજ્યા વગર જ રૂપિયા કે દાગીના આપી દેતા હોવાનું સામે આવ્યું હતું. લોકો આસાનીથી પોતાની પાસેની મત્તા આપી દેતા ટોળકીને વધુ ગુના આચરવાનો વિચાર આવ્યો પણ તે પહેલા પોલીસના હાથે ઝડપાઇ ગઈ. ત્યારે લોકોએ આવા અજાણ્યા માણસોથી દુરી રાખવી જરૂરી બન્યું છે.