શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 એપ્રિલ 2018 (15:42 IST)

પ્રવિણ તોગડિયાના સમર્થનમાં હોદ્દેદારો સહિત ૬૨ પ્રખંડના કાર્યકર્તાઓનાં વીએચપીમાંથી રાજીનામાં

વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયા જૂથની મોદી સામેના પ્રોક્સીવોરમાં કારમી હાર બાદ ડો. તોગડિયાનો ભાજપ સામેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. આજે રવિવારે તોગડિયાના સમર્થનમાં ઘણા બધા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વીએચપીમાંથી રાજીનામાં આપી દીધાં હતાં. જેમાં આઠ જિલ્લા અને ૬૨ પ્રખંડના તમામ કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. દરમિયાન તોગડિયાએ આગામી તા. ૧૭મી એપ્રિલ ને મંગળવારથી અમદાવાદમાં અચોક્કસ મુદતના ઉપવાસની જાહેરાત કરતા તોગડિયાને મનાવવા ભાજપે સંતો-મહંતોની મદદ લીધી છે. આજે કેટલાક સંતો તોગડિયાને મળીને સમજાવવાના પ્રયાસો કર્યા હતા પણ તોગડિયા મક્કમ રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્ર્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ વીએચપીમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર પોતાનું નિવેદન આપ્યું છે. પ્રવીણ તોગડીયાએ નિવેદનમાં વડા પ્રધાન નરેદ્ર મોદીને નિશાને લીધા હતા. વડા પ્રધાન મોદી પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે, હિંદુઓની લાશ પર સત્તા પર બેસેલા સિકંદરે કાયદો બનાવવો પડશે. હિન્દુ સમાજના હિત માટે નવા સંગઠનની શરૂઆત કરવામાં આવશે. અનિશ્ર્ચિત કાળના ઉપવાસથી સંગઠનની શરૂઆત કરવામાં આવશે. રામમંદિર અને હિંદુ જ ફર્સ્ટના સંકલ્પ સાથે સંગઠનની રચના કરવામાં આવશે. જેના માટે દેશભરમાં ફરીને કાર્યકર્તાઓને સંગઠનમાં જોડીશું. મારો વિશ્ર્વાસ છે કે, હિંદુ કાર્યકર્તા સંગઠનમાં જોડાશે.

વિશ્ર્વ હિન્દુ પરિષદમાંથી પ્રવીણ તોગડિયાને દૂર કરાતા અમદાવાદમાં તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી હતી અને વીએચપીના નારાજ કેટલાક કાર્યકરોએ રાજીનામાં આપ્યાં છે. તોગડિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ, વાકબાણ ચલાવ્યાં હતા. તેમને કહ્યું હતું કે સત્તાના નશામાં મોદી ભાન ભૂલી ગયા છે, તેમણે ગૌરક્ષકોને ગુંડા કહ્યા છે. હિન્દુત્વના આધારે ભાજપ સરકારમાં આવી, ગૌરક્ષકોને ગુંડા કહેવામાં આવ્યા, ત્રિપલ તલાકનો કાયદો બન્યો પણ રામ મંદિરનો કાયદો ન બન્યો, સેના પર પથ્થરો મારનારા પરના કેસો પાછા ખેંચાયા, ગૌરક્ષકોને જેલમાં મોકલાયા છે. જો મોદી સરકાર આ જ રીતે હિંદુઓ ઉપર દબાણ કરતી રહેશે તો પરિણામ સારું નહિ આવે. તેમને આ વાતને વધારતા એ પણ કહ્યુ કે મારી લડાઈ એક વ્યક્તિ સામે નથી, પ્રશ્ર્ન સંસ્થાનો નહીં, કરોડો હિંદુઓનો છે, મારી ઉપર દબાણ કરાઈ રહ્યું હતું. વીએચપી મારી પાસે નહી હોય પરંતુ કાર્યકરો મારી સાથે હશે, કરોડો કાર્યકર્તાઓ મારી સાથે હશે, સરકારે વિશ્ર્વાસઘાત કર્યો છે, હું અનિશ્ર્ચિત સમયના ઉપવાસ પર બેસીશ, હું સંકલ્પ સાથે ઉપવાસ પર બેસીશ.